Akash Ambani Speech Jio IPO Listing Ceremony: રિલાયન્સ સમૂહની ટેલિકોમ અને ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms Limited) ના ઐતિહાસિક લિસ્ટિંગ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ એક અત્યંત ઉત્સાહવર્ધક અને ભાવુક સંબોધન કર્યું હતું. તેમણે જિયો આઈપીઓ (Jio IPO) ને મળેલા અસાધારણ પ્રતિસાદ બદલ દેશ-વિદેશના તમામ રોકાણકારો અને 540 મિલિયન (54 કરોડ) ગ્રાહકોનો આભાર માન્યો હતો.
આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, માત્ર 95 મિનિટમાં ભારતનો સૌથી મોટો આઈપીઓ સંપૂર્ણ ભરાઈ જવો એ જિયો પરિવાર માટે ગર્વ અને મોટી જવાબદારીની વાત છે. તેમણે કેરળના એક નાના ગામની બાળકી 'અંજલિ'નો કિસ્સો શેર કર્યો હતો, જે ભણવા માટે રોજ 2 કિલોમીટર પહાડ ચડીને ઈન્ટરનેટ કનેક્શન શોધતી હતી. જિયો આવ્યા બાદ તેનું ઘર જ વર્ગખંડ બની ગયું હતું.
આકાશ અંબાણીની સ્પીચ એમના જ શબ્દોમાં....
"મારા આદરણીય શેરહોલ્ડરો, વિશિષ્ટ અતિથિઓ, ભાગીદારો અને જિયોના સહયોગીઓ,
નમસ્તે!
આજે હું ભાવનાઓથી ઘેરાયેલો છું. એવી લાગણીઓ જેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.
મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે. ભારત અને વિદેશના દરેક વ્યક્તિગત અને સંસ્થાકીય રોકાણકારોનો દિલથી આભાર, જેમણે અમારા આઈપીઓ (IPO) ને બ્લોકબસ્ટર સફળતા અપાવી.
રોકાણકારો તરફથી મળેલો પ્રતિસાદ અમારી કલ્પના બહારનો હતો, જેણે દરેક રોકાણકાર કેટેગરીમાં જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે:
- ભારતનો સૌથી મોટો IPO માત્ર 95 મિનિટમાં સંપૂર્ણ ભરાઈ ગયો- જે અત્યાર સુધીનો સૌથી ઝડપી આઈપીઓ છે.
- ₹7.5 લાખ કરોડથી વધુની માંગ- જે ભારતનો સર્વોચ્ચ રેકોર્ડ છે.
- 1.3 કરોડથી વધુ ભારતીયોએ પોતાની સંપત્તિ સાથે અમારા પર વિશ્વાસ મૂક્યો- જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.
આ સફળતા મારા માટે અત્યંત નમ્રતા અને ઊંડી જવાબદારીની લાગણી જગાડે છે.
વિદેશમાં અભ્યાસ પૂરો કર્યા પછી હું ઘરે પાછો ફર્યો અને એક જ મુખ્ય હેતુથી જિયોમાં મારી કરિયરની શરૂઆત કરી: મારા પિતા સાથે મળીને ભારતને ડિજિટલ બનાવવું.
તે પછીના એક દાયકામાં અમને કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવવાનું સૌભાગ્ય મળ્યું. જે બાબતે અમને દરરોજ ઊર્જા આપી, તે ટેકનોલોજી નહીં પરંતુ તેનાથી સક્ષમ બનેલા લોકો હતા.
થોડા વર્ષો પહેલા કેરળના એક પહાડી વિસ્તારમાં 'અંજલિ' નામની એક નાની બાળકી રહેતી હતી. તે પાણી કે સામાન માટે નહીં, પરંતુ તેની માતાના ફોનમાં શાળાના પાઠ ડાઉનલોડ કરવા માટે રોજ 2 કિલોમીટર પહાડ ચડીને જતી હતી જેથી તેને નેટવર્ક કનેક્શન મળી શકે. જિયોના આગમન સાથે તેનો આ થકવી દેનારો રોજનો પ્રવાસ પૂરો થયો. તેનું ઘર જ તેનું ક્લાસરૂમ બની ગયું. તેનો સ્માર્ટફોન અનંત જ્ઞાનનું દ્વાર બન્યો. આજે જ્યારે અમે લિસ્ટિંગની ઘંટડી વગાડીએ છીએ, ત્યારે અમે ભારતભરની લાખો અંજલિઓને યાદ કરીએ છીએ. અમારી સફળતાનો માપદંડ એ સપનાઓ છે જેને અમે પ્રોત્સાહિત કરીએ છીએ.
જ્યારે હું જિયોમાં જોડાયો ત્યારે અમારી પાસે કોઈ ગ્રાહક ન હતા, કોઈ આવક ન હતી- માત્ર એક મોટો વિચાર હતો અને એક એવી ટીમ હતી જે માનતી હતી કે દરેક ભારતીય સસ્તું અને વિશ્વસ્તરીય ટેકનોલોજી મેળવવાનો હકદાર છે.
મને 20 ફેબ્રુઆરી 2017 ની તે રાત યાદ છે, જ્યારે જિયોએ 100 મિલિયન (10 કરોડ) સબ્સ્ક્રાઇબર્સનો આંકડો પાર કર્યો હતો. એક હળવી વાત કહું તો, મારા પિતાજીએ કહ્યું હતું કે જ્યાં સુધી અમે આ માઇલસ્ટોન પાર નહીં કરીએ ત્યાં સુધી હું લગ્ન ન કરી શકું, એટલે મારી પાસે ઉજવણીના બે કારણો હતા!
પરંતુ તે રાત્રે અમારી વચ્ચે થયેલી વાતચીત મારા મનમાં રહી ગઈ. અહીં જ શા માટે રોકાવું? આપણે ક્યાં સુધી જઈ શકીએ? અને આગળનું લક્ષ્ય શું હોઈ શકે? અને તે હતું 500 મિલિયન ગ્રાહકોનું સપનું. મેં તેના પર વિચાર કર્યો અને એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો જે હું ત્યારથી મારી સાથે રાખું છું: આજની સિદ્ધિને ક્યારેય આવતીકાલની મહત્વાકાંક્ષા માટે મર્યાદિત બનવા ન દો.
ભારતની વિશાળ ક્ષમતા માટે તૈયાર બનાવેલું કશું જ ન હતું, તેથી અમે પાયાથી જ અમારી પોતાની ક્ષમતાઓ ઊભી કરી. આજે અમારા સ્વદેશી પ્લેટફોર્મ્સ 540 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી રહ્યા છે.
અમારા જિયો શેરધારકોના નવા પરિવારને- હું મારા હૃદયના ઊંડાણથી આભાર માનું છું.
આઈપીઓ પહેલાં અમારા તમામ સબ્સ્ક્રાઇબર્સ કહેતા હતા: 'JIO MAINE BANAYA'.
હવે હું દરેક શેરધારકને કહું છું: 'HUM SAB MILKAR NAYA JIO BANAYENGE'.
તમે જિયો પર વિશ્વાસ મૂક્યો છે. તમે જિયોના શેરધારકો છો, અને જિયો હવે તમારો ટ્રસ્ટ-હોલ્ડર (વિશ્વાસધારક) છે. તમારી સંપત્તિના ટ્રસ્ટી તરીકે, દાયકાઓ સુધી તેનું રક્ષણ કરવું અને તેને વધારવી એ અમારી ફરજ છે.
રિલાયન્સે લગભગ 50 વર્ષથી શેરધારકો માટે જે કર્યું છે, જિયો આગામી 50 વર્ષ સુધી તે ચાલુ રાખશે. આજ ક્ષણથી, એ જ સમર્પણ સાથે, અને આપણા રોકાણકારો તથા ભાગીદારો સાથે એ જ 'દિલ કા રિશ્તા' સાથે.
આજનું લિસ્ટિંગ એ અંતિમ રેખા નથી, પરંતુ શરૂઆતની રેખા છે. અમે ખુલ્લેઆમ સંવાદ કરીશું, અમારી પ્રતિબદ્ધતાઓને માન આપીશું અને ક્રિયાઓ દ્વારા તમારો વિશ્વાસ જીતીશું.
મારા માતા-પિતા અને અમારા પરિવાર તથા રિલાયન્સ પરિવારના તમામ વડીલોને હું કહું છું: અમને વધુ આશીર્વાદ આપો. આપકા આશીર્વાદ હમ તીનોં કી શક્તિ હૈ! આપકા ગાઈડન્સ પૂરે જિયો ટીમ કે લિયે આત્મબલ હૈ.
મારા પિતાજીને, અમે ત્રણેયે તમારા પ્રેમભર્યા, સંભાળ રાખનારા અને હંમેશા સાથ આપનારા હાથમાંથી બેટન (મશાલ) લીધી છે, અને તેને યોગ્ય સાબિત કરવા માટે અમારું જીવન વિતાવીશું. અમે ભારત અને વિશ્વમાં જિયોને વિકાસ, શ્રેષ્ઠતા અને પ્રતિષ્ઠાની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું વચન આપીએ છીએ.
આપણા મહાન દેશ ભારતના મારા ભાઈઓ અને બહેનોને:
જિયો દેશની સેવા કરવા માટે બનાવવામાં આવ્યું હતું. ભારતને વિશ્વસ્તરીય ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓની જરૂર હતી, જે દરેક ભારતીય માટે પરવડે તેવી હોય. જિયોએ તે જરૂરિયાત પૂરી કરી છે અને હંમેશા કરશે.
પરંતુ આજે એક નવી શરૂઆત છે. અને દરેક નવી શરૂઆતના મૂળ ઊંડા હોય છે.
અમારા મૂળ સ્વર્ગસ્થ દાદાશ્રી સ્વ. ધીરુભાઈ અંબાણી સુધી જાય છે, જેઓ સ્વર્ગમાંથી અમને આશીર્વાદ આપે છે. મારા દાદા એક વિઝનરી હતા. તેમનું સપનું સાદું પણ અસાધારણ હતું: દરેક ભારતીય માટે રોટી, કપડાં, મકાન અને મોબાઈલ. મારા પિતાએ તેમના ચરણોમાં શિક્ષણ મેળવ્યું અને જિયો સાથે તે સપનાને ડિજિટલ યુગમાં આગળ વધાર્યું.
ઈશા, અનંત અને હું નસીબદાર છીએ કે અમે અમારા પિતાના ચરણોમાં શીખ્યા છીએ. અમારી જવાબદારી માત્ર જે વારસામાં મળ્યું છે તેને જાળવવાની નથી, પરંતુ જિયોને ભારત માટે વધુ મોટું, વધુ સારું અને વધુ અર્થપૂર્ણ બનાવવાની છે.
ભારત 1.5 અબજ આકાંક્ષાઓનો દેશ છે, અને જિયો તેમને સમજે છે કારણ કે અમે તેમની સાથે જ મોટા થયા છીએ.
અમારા પ્રથમ 10 વર્ષોમાં, અમે ડેટાનું લોકશાહીકરણ કર્યું, લાખો લોકોને ડિજિટલ જીવનમાં લાવ્યા.
અમારા આગામી 10 વર્ષોમાં, અમે એવી દરેક ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવા માંગીએ છીએ જે ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવી શકે: AI, ક્લાઉડ, કનેક્ટેડ ડિવાઇસીસ, સ્પેસ કનેક્ટિવિટી અને નવી ડિજિટલ સેવાઓ.
હું માનું છું કે ટેકનોલોજી ક્યારેય પોતે એક અંત ન હોવી જોઈએ. તેનું સાચું મૂલ્ય તે જે તકો ઊભી કરે છે, જે અવરોધો દૂર કરે છે અને જે જીવન સુધારે છે તેમાં રહેલું છે.
અમારી મહત્વાકાંક્ષા એક સાચા અર્થમાં ડિજિટલ સમાજની છે, જેના કેન્દ્રમાં જિયો પ્લેટફોર્મ્સ હોય.
10 વર્ષ પહેલાં, વિશ્વ ભારતને ટેકનોલોજી માટેના બજાર તરીકે જોતું હતું. આજે ભારત તેના સર્જક તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરના અઠવાડિયામાં વિશ્વભરના રોકાણકારોનો પ્રતિસાદ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતની ક્ષમતામાં તેમનો વિશ્વાસ દર્શાવે છે.
અમે હવે તિરંગાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે તૈયાર છીએ. મારું સપનું છે કે એક દિવસ, જ્યારે વિશ્વ તેની મહાન ટેકનોલોજી કંપનીઓની ગણતરી કરશે, ત્યારે તેમાંથી એક નામ Jio Platforms Limited હશે.
ભારતને અમારું વચન: તે સપનું પૂરું ન થાય ત્યાં સુધી અમે નિર્માણ કરવાનું, ઈનોવેશન કરવાનું અને સરહદોને વિસ્તૃત કરવાનું ચાલુ રાખીશું.
મારી માતા અને મારા પિતાનો આભાર- તમારો વિશ્વાસ અને સન્માન મેળવવું એ જ મારા, ઈશા અને અનંત માટે સૌથી પ્રિય છે.
ઈશા અને અનંત, આ સફરમાં સાથે હોવું એ મને દરરોજ પ્રેરણા આપે છે.
મારી પત્ની શ્લોકા- મારી શક્તિ બનવા અને પૃથ્વી તથા વેદાના રૂપમાં મને જીવનની સૌથી મોટી ભેટ આપવા માટે આભાર.
મનોજ અંકલ (મનોજ મોદી)- તમારા માર્ગદર્શન માટે આભાર.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, SEBI, NSE, BSE અને અમારા તમામ રોકાણકારો તથા ગ્રાહકોનો આભાર.
જય હિન્દ!"
