India's Richest Woman: ભારતની સૌથી શ્રીમંત મહિલા સાવિત્રી જિંદાલે વર્ષ 2023માં કમાણીની બાબતમાં દેશના અનેક દિગ્ગજ ઉદ્યોગપતિઓને પાછળ રાખી દીધા છે. ઓપી.જિંદાલ ગ્રુપની ચેરપર્સનની સંપત્તિમાં 9.6 અબજ ડોલરનો વધારો થયો છે, જે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા બિરલા જેવા દિગ્ગજોની સંપત્તિ વૃદ્ધિ કરતાં ઘણી વધારે છે. જ્યાં એક બાજુ તેમની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે ત્યારે બીજી બાજુ તેમના પરિવાર ઉપર સંકટના વાદળ ઘેરાયા છે.
સાવિત્રી જિંદાલના દીકરા અને JSW ગ્રુપના અધ્યક્ષ તથા મેનેજીંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ થઈ છે. ફોર્બ્સની માહિતી પ્રમાણે સાવિત્રી જિંદાલ ભારતના સૌથી સમૃદ્ધ લોકોની યાદીમાં ચોથા ક્રમાંક પર પહોંચી ગયા છે.
પતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતા ગ્રુપની જવાબદારી સંભાળેલી
સાવિત્રી જિંદાલે તેમના પતિ જિંદાલ ગ્રુપના ફાઉન્ડર ઓમપ્રકાશ જિંદાલનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા બાદ ગ્રુપની કમાન સંભાળી હતી. કોરોના કાળમાં સાવિત્રી જિંદાલની નેટવર્કમાં આશરે પચ્ચાસ ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે તેમને ભારે નુકસાન થયા બાદ તેમની સંપત્તિમાં નોંધપાત્ર પ્રમાણમાં ઉછાળો આવ્યો હતો અને આજે તેઓ જિંદાલ ગ્રુપને એક નવી ઉંચાઈ ઉપર લઈ ગયા છે.
જિંદાલ ગ્રુપમાં આ કંપનીઓનો થાય છે સમાવેશ
વર્તમાન સમયમાં જિંદાલ ગ્રુપમાં JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, JSW એનર્જી, JSW સો, જિંદાલ સ્ટેનલેસ તથા રોકાણ કંપની JSW હોલ્ડિંગ જેવી લિસ્ટેડ કંપનીનો સમાવેશ થાય છે. ઓપી જિંદાલ ગ્રુપ પાસે પોર્ટ ઓપરેટર JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો 83 ટકા હિસ્સો છે, જેનું આ વર્ષના ઓક્ટોબર મહિનામાં લિસ્ટીંગ થયું હતું.
RILના વડા મુકેશ અંબાણીની સંપત્તિમાં 5 અબજ ડોલરનો ઉમેરો થયો
અત્રે ઉલ્લેખનીય છે કે બ્લૂમબર્ગની માહિતી પ્રમાણે ભારતના સૌથી સમૃદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપત્તિમાં વર્ષ 2023માં આશરે 5 બિલિયન ડોલરની વૃદ્ધિ થઈ છે, તેમની કુલ સંપત્તિ 92.3 બિલિયન ડોલર થઈ છે.
દેશના અન્ય એક પ્રતિષ્ઠિત કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી મુકેશ અંબાણી બાદ બીજા ક્રમાંક પર છે, અલબત તેમની નેટવર્થ 35.4 અબજ ડોલર ઘટીને 85.1 અબજ ડોલર થઈ છે.
અન્ય ઉદ્યોગપતિઓની સંપત્તિ
જિંદાલ ગ્રુપ બાદ HCL ટેકના શિવ નાદર બીજા ક્રમાંક પર છે, જેમની કુલ સંપત્તિ વર્ષ 2023માં આશરે 8 અબજ ડોલરની વૃદ્ધિ થઈ છે. શિવ નાદરની સંપત્તિ આશરે 32.6 અબજ ડોલર છે. ત્યારબાદ DLFના કેપી સિંહની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2023માં તેમની સંપત્તિમાં 7 અબજ ડોલરનો વધારો થયો છે અને તે 15.4 અબજ ડોલર થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે, તે ઉપરાંત એશિયાના પણ સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે. વૈશ્વિકસ્તરે તેમનું સ્થાન 13મું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
