દિવાળી પહેલા 10, 20 અને 50ની નોટોની અછત? RBIએ જણાવ્યું વાયરલ ફેક સર્ક્યુલરનું સત્ય

દિવાળી પહેલા 10, 20 અને 50 રૂપિયાની નોટોની અછતનો દાવો કરતો RBIનો વાયરલ સર્ક્યુલર ફેક સાબિત થયો છે. બેંકોમાં નોટોની કોઈ જ કમી નથી, જાણો સંપૂર્ણ અહેવાલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 03 Nov 2026 08:29 PM (IST)Updated: Tue, 03 Nov 2026 08:29 PM (IST)
rbi-debunks-fake-circular-on-small-note-shortage-before-diwali

RBI Fake Circular News: આગામી તહેવારોની સિઝન અને દિવાળી પહેલા સોશિયલ મીડિયા પર એક મેસેજ વાવાઝોડાની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે માર્કેટમાં 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોની ભારે અછત સર્જાવાની છે. આ વાયરલ મેસેજ જોઈને સામાન્ય લોકો અને છૂટક વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ, હવે દેશની કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આ મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

ગવર્નરના સહી સાથે વાયરલ થયો જાળી અને નકલી સર્ક્યુલર

સમગ્ર વિવાદની શરૂઆત એક નોટિસથી થઈ, જેને આરબીઆઈ (RBI)ના નામે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ્સમાં વાયરલ કરવામાં આવી રહી હતી. આ નકલી નોટિસ પર 27 ઓક્ટોબરની તારીખ દર્શાવવામાં આવી છે. તેને અસલી દેખાડવા માટે તેના પર આરબીઆઈનો સત્તાવાર લોગો અને રિઝર્વ બેંકના ગવર્નરની સહીઓ પણ બનાવટી રીતે છાપવામાં આવી હતી.

સામાન્ય રીતે કોઈપણ ફેમિલી કે મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં જ્યારે ઉપર આરબીઆઈનો લોગો અને નીચે ગવર્નરની સહી દેખાય, તો પહેલી નજરે કોઈ પણ વ્યક્તિ સાચું માની લે છે અને અજાણતા જ તેને આગળ શેર કરવા લાગે છે. આ જ નકલી સર્ક્યુલર સાથે પણ થયું અને તે મિનિટોમાં હજારો ફોન સુધી પહોંચી ગયો.

વાયરલ સર્ક્યુલરમાં કરવામાં આવેલા મોટા દાવા

આ નકલી નોટિસમાં ખૂબ જ ચોંકાવનારા અને તર્કસંગત લાગે તેવા દાવા કરવામાં આવ્યા હતા જેથી લોકો સરળતાથી ભ્રમિત થઈ જાય.

નાની નોટોની અછત: તહેવારોની સિઝનમાં 10, 20 અને 50 રૂપિયાના નવી નોટો પૂરતા પ્રમાણમાં નહીં મળે.

ડિજિટલ પેમેન્ટનું કારણ: લોકો ઝડપથી ઓનલાઈન પેમેન્ટ તરફ વળી રહ્યા છે અને સરકાર કેશલેસ ઇકોનોમી પર ભાર આપી રહી છે, જેથી ધીમે-ધીમે નાની નોટોની છાપણી ઘટાડી દેવામાં આવી છે.

સૂચનો: લોકોને સલાહ આપવામાં આવી હતી કે તેઓ UPI, ક્રેડિટ-ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગનો વધુ ઉપયોગ કરે અને તહેવારોમાં મુશ્કેલીથી બચવા અગાઉથી જ કેશની વ્યવસ્થા કરી લે.

આ વાતો પ્રથમ નજરે તર્કસંગત લાગતી હોવાથી લાખો લોકો તેનાથી ગેરમાર્ગે દોરવાયા હતા.

RBIએ X પર પોસ્ટ કરીને સ્થિતિ સ્પષ્ટ કરી

લોકોમાં ફેલાતી ગેરસમજ અને અફવાઓને ડામવા માટે આખરે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર નિવેદન જારી કર્યું. બેંકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ સર્ક્યુલર નકલી છે અને તેને આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવ્યો નથી.

આરબીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધ્યાને આવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો બેંકના નામ અને લોગોનો ખોટો ઉપયોગ કરીને ગવર્નરના નામે બનાવટી સર્ક્યુલર ફેલાવી રહ્યા છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે બેંકના વોલ્ટ અને કરન્સી ચેસ્ટમાં નાના મૂલ્યની નોટો સહિત તમામ પ્રકારની ચલણી નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વાયરલ સર્ક્યુલરમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા છે.

દિવાળી પર કેમ મહત્વપૂર્ણ છે નાની નોટો?

રોજિંદા જીવનમાં 10, 20 અને 50 રૂપિયાની નોટો એ રોકડ વ્યવહારો (Cash Transactions) ની કરોડરજ્જુ સમાન છે. દૂધ-બ્રેડ લાવવા, શાકભાજી ખરીદવા કે નાના વેપારીઓ પાસેથી સામાન લેવા માટે આ જ નોટો સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.

દિવાળી જેવા પર્વ પર બજારોમાં ભીડ હોય છે અને લોકો એકબીજાને ભેટ-સોગાદો આપે છે. જો કોઈ ગ્રાહક ભીડભાડ વાળા બજારમાં 500 રૂપિયાની નોટ લઈને 40 રૂપિયાના દીવા ખરીદવા જાય અને દુકાનદાર પાસે છૂટા ન હોય, તો મોટી સમસ્યા સર્જાઈ શકે છે. આ જ કારણ હતું કે આ નકલી અફવાએ ખાસ કરીને રોકડ પર નિર્ભર રહેતા વર્ગ અને નાના દુકાનદારોની ચિંતા વધારી દીધી હતી.

બેંકોમાં દોડાદોડ કરવાની કે વધારે રોકડ કાઢવાની જરૂર નથી

આરબીઆઈની સ્પષ્ટતા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાઓમાં ફસાવાની કે ગભરાઈને બેંકોની લાઈનોમાં ઊભા રહીને વધારાની રોકડ કાઢવાની કોઈ જ જરૂર નથી.

તમારા ફોન પર જો આવો કોઈ શંકાસ્પદ કે ભ્રામક મેસેજ આવે, તો તેને આગળ ફોરવર્ડ કરવાથી બચો અને માત્ર આરબીઆઈ કે સત્તાવાર ન્યૂઝ ચેનલો દ્વારા આપવામાં આવતી અધિકૃત માહિતી પર જ ભરોસો રાખો.