ટેક ડેસ્કઃ અત્યારસુધી મોબાઇલ, ટીવી સહિત ઘણાં ઇલેક્ટ્રોનિક ગેજેટ વેચનારી ચીનની કંપની શાઓમી હવે ઇલેક્ટ્રિક કાર પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપનીની પહેલી કાર ડેબ્યુ પહેલાં ફોટો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો છે. આ કારમાં શું વિશેષતા હશે એ અંગે અમે તમને જણાવીએ.
લીક થયો ફોટો
મીડિયા રિપોર્ટસ મુજબ શાઓમી હવે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. સોશિયલ મીડિયા પર કારનો એક ફોટો લીક થયો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો શાઓમીની અપકમિંગ ઇલ્ક્ટ્રિક કારનો છે.
શું હશે નામ?
મીડિયા રિપોર્ટસ મુજબ શાઓમીની ઇલેક્ટ્રિક કારનું નામ એમએસ 11 હોઈ શકે છે. લીક થયેલાં ફોટોમાં પણ કાર પર એમએસ 11 નામ જોવા મળી રહ્યું છે. કંપનીએ વર્ષ 2021માં જ ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં આવવાની જાહેરાત કરી હતી. આ સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે, આગામી 10 વર્ષમાં કંપની 10 બિલિયન ડૉલરનું રોકાણ પણ કરશે.
કેવો છે લૂક?
સોશિયલ મીડિયા પર લીક થયા પછી ફોટો વાઇરલ થઈ રહ્યો છે. તેની ડિઝાઈન કેટલીય કારમાંથી પ્રેરિત હોય એવું જોઈને લાગે છે. પહેલી નજરમાં કાર બીવાઇડીના સીલ જેવી લાગી રહી છે. કારમાં એલઇડી હેડલાઇટ્સ આપવામાં આવી છે. આ ઉપરાંત કાર ડ્યૂલ ટોન સ્કીમ સાથે જોવા મળે છે. કારની ડિઝાઈન કરતી વખતે એરોડાઇનેમિક્સ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. જે કારની રેન્જને સારી બનાવે છે. આ ઉપરાંત કારના અન્ય ફીચર્સની માહિતી લામે આવી નથી.
ચીનમાં થશે લોન્ચ
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કારને ઘણીવાર ચીનમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આ સાથે જ કંપની આ સેડાન ઇલેક્ટ્રિક કારને સૌથી પહેલાં ચીનમાં લોન્ચ કરી શકે છે. આ ઉપરાંત યૂરોપ સહિત ઘણાં દેશમાં તેને લોન્ચ કરવામાં આવશે.