SBI Pension Funds NPS: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) પેન્શન ફંડ્સે ગુજરાતમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)નો વ્યાપ વધારવા માટે પોતાની કામગીરીને વધુ મજબૂત બનાવી છે. નાણાંકીય વર્ષ2024-2025 સુધીમાં ગુજરાતમાં તમામ નાગરિકો માટે NPS અંતર્ગત કુલ 3.08 લાખ નોંધણી થઈ હતી, જે પૈકી એક જ વર્ષમાં જ 49,895 નવા NPS અકાઉન્ટ ખુલ્યાં હતા.
ગુજરાતના કુલ કાર્યબળ પૈકી આશરે 90 ટકા લોકો અસંગઠિત સેક્ટરમાં કામ કરી રહ્યા છે અને પિરિયોડિક લેબર ફોર્સ સર્વે 2025 પ્રમાણે 56.90 ટકા કામદારો સ્વરોજગારી ધરાવે છે. રાજ્યના આ મોટા વર્ગ પાસે હજુ સુધી કોઈ ઔપચારિક પેન્શન કવરેજ નથી, જેના કારણે અહીં નિવૃત્તિ આયોજનનો વ્યાપ વધારવાની વ્યાપક તક રહેલી છે.
SBI પેન્શન ફંડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પ્રણય દ્વિવેદીએ જણાવ્યું હતું કે વ્યક્તિની નાણાંકીય સફરમાં નિવૃત્તિ માટેનું આયોજન ઘણું વહેલું શરૂ થવું જરૂરી છે. ગુજરાતમાં 15થી 59 વર્ષની વયજૂથના લગભગ 4.8 કરોડ લોકો છે અને રાજ્યના અડધાથી વધુ વર્કફોર્સમાં સ્વરોજગાર લોકોનો સમાવેશ થાય છે. તેથી એવા લોકોને પણ નિવૃત્તિ આયોજન સાથે જોડવાની મોટી તક છે.
રિટેલ અને કોર્પોરેટ ક્ષેત્રોમાં NPSનો સ્વીકાર વધારવા માટે SBI પેન્શન ફંડ્સ પોતાની આગામી નવી વેબ એપ્લિકેશન ‘સુગમ NPS’ દ્વારા ડિજિટલ પ્રક્રિયાને વધુ સરળ બનાવી રહી છે. આ ઉપરાંત વિવિધ રોકાણકારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપનીએ ‘SBI PF NP જીવન સ્વર્ણા રિટાયરમેન્ટ યોજના’ અને ‘SBI PF NPS અક્ષય ધારા રિટાયરમેન્ટ યોજના’ જેવી અદ્યતન સ્કીમો રજૂ કરી છે, જે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમનું યોગ્ય સંતુલન પૂરું પાડે છે. વધતી જતી આયુષ્ય મર્યાદા અને મોંઘવારીના સમયમાં રાજ્યના 15થી 59 વર્ષની વયજૂથના 4.8 કરોડ લોકોને નાની ઉંમરથી જ શિસ્તબદ્ધ રોકાણ તરફ વાળીને આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય છે.
