8th Pay Commission Updates: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા 8મા પગાર પંચ (8th Pay Commission) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પંચે દેશના વિવિધ શહેરો જેમ કે દિલ્હી, જયપુર, ચંદીગઢ, બેંગલુરુ અને મુંબઈ ખાતે કર્મચારી યુનિયનો, સંગઠનો અને હિતધારકો સાથે પરામર્શ બેઠકો યોજીને તેમની માંગણીઓ તથા સૂચનો મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.
મે 2027 સુધીમાં પંચ સુપરત કરી શકે છે આખરી અહેવાલ
કેન્દ્ર સરકાર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષપદે 3 સભ્યોના આ પગાર પંચની રચના કરવામાં આવી હતી. પંચને તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર સરકારને અંતિમ અહેવાલ સુપરત કરવાનો રહેશે. તે મુજબ 3 નવેમ્બર 2026ના રોજ પંચનો 12 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થશે અને આખરી અહેવાલ તૈયાર કરવા માટે તેની પાસે વધુ 6 મહિનાનો સમય રહેશે. આ ગણતરી મુજબ પંચ મે 2027ની આસપાસ સરકાર સમક્ષ પોતાની ભલામણો રજૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
8મા પગાર પંચની વેબસાઇટ પરથી જાહેર કરાયેલા 5 તાજેતરના મુખ્ય અપડેટ્સ:
1) મુંબઈ મુલાકાત અને બેઠકો:
પંચે 21 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેરાત કર્યા મુજબ 22 અને 23 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈ ખાતે મહત્ત્વની પરામર્શ બેઠકો પૂર્ણ કરી છે.
2) બેંગલુરુ પરામર્શ બેઠક:
24 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરાયેલી વિગતો અનુસાર પંચે 7 અને 8 ઓક્ટોબર 2026ના રોજ બેંગલુરુમાં વિવિધ હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
3) સલાહકારોની નિમણૂક માર્ગદર્શિકા:
11 ઓગસ્ટ 2026ના રોજ આયોગે તેની વહીવટી પ્રક્રિયાને વધુ સુગ્રથિત કરવા સલાહકારોની નિમણૂક સંબંધિત માર્ગદર્શિકામાં જરૂરી સુધારા રજૂ કર્યા હતા.
4) જયપુર મુલાકાત:
3 ઓગસ્ટ 2026ની જાહેરાત મુજબ પંચે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2026 દરમિયાન જયપુરમાં વિવિધ સંગઠનોની રજૂઆતો સાંભળી હતી.
5) ચંદીગઢમાં બેઠકોનું આયોજન:
28 જુલાઈ 2026ના રોજ જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ 16 થી 18 સપ્ટેમ્બર 2026 દરમિયાન ચંદીગઢમાં પરામર્શ બેઠકો યોજવામાં આવી હતી.
કર્મચારીઓ અને પેન્શનરો માટે આ અપડેટ્સનો અર્થ શું?
હાલ જાહેર કરાયેલા તમામ પાંચેય અપડેટ્સ માત્ર વહીવટી પ્રક્રિયાઓ અને બેઠકોના સમયપત્રક સાથે સંબંધિત છે. હાલ પંચ કે સરકાર દ્વારા ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor), લઘુત્તમ મૂળભૂત પગાર (Minimum Basic Pay), પેન્શન વધારા કે અમલીકરણની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતું, જે 7મા પગાર પંચમાં વધારીને 2.57 કરવામાં આવ્યું હતું. હવે 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ નવા ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારાની ભલામણો પર નજર રાખીને બેઠા છે.
