Nimesulide Banned: કેન્દ્ર સરકારે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે દુખાવો અને તાવ માટે વપરાતી નિમેસુલાઇડ (Nimesulide) દવાના 'ઈમીડિએટ રિલીઝ' (તાત્કાલિક અસર કરતા) ઓરલ ફોર્મ્યુલેશનના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ દવા લીવર પર ગંભીર આડઅસર (Liver Toxicity) કરતી હોવાનું અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
આરોગ્ય મંત્રાલયે 29 ડિસેમ્બર, 2025 ના રોજ બહાર પાડેલા એક જાહેરનામા અનુસાર, ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ 26A હેઠળ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે માનવ વપરાશ માટે આ દવાનો ઉપયોગ જોખમી છે અને બજારમાં તેના સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.
શા માટે આ દવા જોખમી છે?
નિમેસુલાઇડ એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ (NSAID) છે. લીવર ટોક્સિસિટી અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત પ્રતિકૂળ અસરોને કારણે આ દવા લાંબા સમયથી વૈશ્વિક સ્તરે તપાસના દાયરામાં હતી. સરકારનું આ પગલું દવાની સુરક્ષાના ધોરણોને કડક બનાવવા અને ઉચ્ચ જોખમ ધરાવતી દવાઓને તબક્કાવાર દૂર કરવાના પ્રયાસોનો એક ભાગ છે.
ફાર્મા કંપનીઓ પર શું અસર થશે?
આ આદેશ બાદ નિમેસુલાઇડ આધારિત બ્રાન્ડનું માર્કેટિંગ કરતી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હવે તેનું ઉત્પાદન બંધ કરવું પડશે અને બજારમાં રહેલો સ્ટોક પરત ખેંચવો પડશે. બજાર વિશ્લેષકોના મતે, મોટી દવા ઉત્પાદક કંપનીઓ પર આની મર્યાદિત નાણાકીય અસર થશે કારણ કે તેમના કુલ વેચાણમાં નિમેસુલાઇડનો હિસ્સો ઓછો છે. જોકે, આ દવા પર નિર્ભર નાની કંપનીઓની આવક પર દબાણ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે અગાઉ પણ જાહેર આરોગ્યની સુરક્ષા માટે કલમ 26A હેઠળ અનેક જોખમી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું આ પગલું દવાઓની સુરક્ષા (ફાર્માકોવિજિલન્સ) પ્રત્યેની તેમની કડક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
