Ashneer Grover UPI MDR Charges: ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અથવા ચાર્જ લાદવાના મુદ્દે ચર્ચા ગરમાઈ છે. BharatPe ના સહ-સ્થાપક અને Shark Tank India ના ભૂતપૂર્વ જજ અશ્નીર ગ્રોવરે આ વિવાદમાં કૂદી પડીને સરકારના આ વલણ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. ગ્રોવરે દલીલ કરી હતી કે સરકાર દ્વારા UPI પર શુલ્ક લાદવો એ વાસ્તવમાં ટેક્સ વસૂલાતનું જ એક રૂપ છે. આ સાથે જ તેમણે એક આશ્ચર્યજનક પ્રસ્તાવ મૂકતા કહ્યું કે જો સરકારને UPI ચલાવવામાં નુકસાન થતું હોય, તો તેમણે દેશમાં ATM સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવી જોઈએ અને માત્ર UPI ને જ પ્રોત્સાહન આપવું જોઈએ.
સરકારનું જાહેરનામું અને રૂ. 2,000 ની મર્યાદા
સરકારે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે બેંકો અથવા પેમેન્ટ સિસ્ટમ્સ ₹2,000 સુધીના UPI વ્યવહારો કે RuPay ડેબિટ કાર્ડ પેમેન્ટ્સ પર કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ શુલ્ક વસૂલી શકશે નહીં. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ'ની કલમ 10A માં સુધારો પસાર કરવામાં આવ્યો હતો, જેનાથી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ પર MDR લાગુ કરવાનો માર્ગ મોકળો થયો છે. હવે NPCI ના નેતૃત્વ હેઠળની સ્ટીયરિંગ કમિટી ચાર્જ નક્કી કરશે. જોકે, ₹2,000 થી વધુના પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે કે નહીં તે અંગે જાહેરનામું મૌન હોવાથી અટકળો અને વિવાદે જોર પકડ્યું છે.
ગ્રોવરે ઉઠાવ્યા તીખા સવાલો: "નુકસાન ક્યાં છે?"
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ગ્રોવરે લખ્યું કે, જ્યારે દરેક જણ UPI ને ભારતની મોટી સિદ્ધિ ગણાવે છે, ત્યારે હવે તેને ટેક્સના બોજ હેઠળ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આંકડા આપતા જણાવ્યું કે, RBI સરકારી તિજોરીમાં ₹2.87 લાખ કરોડની સરપ્લસ રકમ ટ્રાન્સફર કરી રહી છે. તેમજ દેશની તમામ લિસ્ટેડ બેંકોનો સંયુક્ત નફો ₹4.11 લાખ કરોડ છે. અને UPI નું સંચાલન કરતી સંસ્થા NPCI પાસે ₹1,888 કરોડનું સરપ્લસ ફંડ છે.
તેમણે પ્રશ્ન કર્યો કે આટલા મોટા નફા વચ્ચે સરકાર કઈ સબસિડીની વસૂલાત માટે MDR લાદવા માંગે છે? તેમણે ઉમેર્યું કે ભારતમાં ATM ચલાવવાનો અને કેશ લોજિસ્ટિક્સનો વાર્ષિક ખર્ચ ₹30,500 કરોડ છે. જો લક્ષ્ય ડિજિટલ પેમેન્ટ્સ પ્રોત્સાહિત કરવાનું જ હોય, તો ATM નેટવર્ક બંધ કરીને માત્ર UPI પર ધ્યાન કેન્દ્રિત કરવું તાર્કિક પગલું ગણાશે.
MDR લાદવા પાછળ સરકારનો તર્ક
બીજી તરફ, સરકારનું માનવું છે કે UPI નો વ્યાપ ખૂબ જ વધી ગયો છે. આટલા વિશાળ ટ્રાન્ઝેક્શન વોલ્યુમને સંભાળવા, સાયબર સુરક્ષા મજબૂત કરવા અને નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે સતત મોટા રોકાણની જરૂર છે. સરકાર અનુસાર, UPI ના આગામી તબક્કાના વિસ્તરણ માટે માત્ર સરકારી સબસિડી પર નિર્ભર રહેવું વ્યવહારુ નથી.
