SEBI Demat 2.0 Pilot: ભારતીય ડેબ્ટ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MSE) એ સેબીના સેન્ડબોક્સ ફ્રેમવર્ક હેઠળ ‘ડિમેટ 2.0’ (Demat 2.0) પાઇલટ પ્રોજેક્ટમાં સફળતાપૂર્વક ભાગીદારી કરી છે. આ પહેલ હેઠળ ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેકનોલોજી (DLT) ના માધ્યમથી કોર્પોરેટ બોન્ડનું ટોકનાઇઝેશન કરીને ભારતીય મૂડીબજારમાં એક નવા યુગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
IIFL ફાઇનાન્સ દ્વારા પ્રથમ બોન્ડ ઇશ્યુઅન્સ
પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે, MSE ના ઇલેક્ટ્રોનિક બોન્ડ પ્લેટફોર્મ (MSE EBP) એ IIFL ફાઇનાન્સ લિમિટેડના પ્રથમ ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડ ઇશ્યુઅન્સને સક્ષમ બનાવ્યું છે. આ ઇશ્યુમાં ‘ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ’ એ વ્યવસ્થાપક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સિસ્ટમ હેઠળ બોન્ડ્સ મૂળભૂત રીતે ડિજિટલ લેજર પર જારી થાય છે, જ્યારે માલિકીના વૈધાનિક રેકોર્ડ્સ ડિપોઝિટરીઝ પાસે સુરક્ષિત રહે છે અને તેનું સેટલમેન્ટ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) દ્વારા કરવામાં આવે છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 માં ભવ્ય લોન્ચિંગ
આ મહત્વકાંક્ષી પાઇલટ પ્રોજેક્ટનું લોન્ચિંગ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 (Global Fintech Fest 2026) ખાતે SEBI ના ચેરમેન શ્રી તુહિન કાંતા પાંડે અને RBI ગવર્નર શ્રી સંજીવ મલ્હોત્રાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરમિડિયરીઝ (MII), નાણાકીય બજારો અને ફિનટેક ક્ષેત્રના અગ્રણી વિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ ટેકનોલોજીથી ઝડપી સેટલમેન્ટ, પારદર્શિતા અને રોકાણકારો માટે વ્યાપક પહોંચ સુનિશ્ચિત થશે.
MSE નાં MD અને CEO નો દ્રષ્ટિકોણ
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતાં MSE નાં MD અને CEO શ્રીમતી લતિકા એસ. કુંડુએ જણાવ્યું હતું કે, “ડિમેટ 2.0 પાઇલટ દ્વારા નવીનતા માટે SEBIનો ભવિષ્યલક્ષી અભિગમ ભારતની ડેબ્ટ બજારોના ભવિષ્યને આકાર આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ટોકનાઇઝેશન વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સુરક્ષિત મૂડી નિર્માણને સક્ષમ બનાવવા માટે ટેકનોલોજી અને વિશ્વસનીય બજાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકસાથે લાવે છે. અમને આ યાત્રામાં યોગદાન આપવા અને આવતીકાલની બજારોના નિર્માણમાં મદદ કરવાનો ગર્વ છે.”
દેશનું સૌથી યુવા એક્સચેન્જ હોવાના નાતે, MSE ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, કરન્સી અને ડેબ્ટ સેગમેન્ટમાં નવીનતમ ટેકનોલોજી દ્વારા ભારતીય નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સતત કાર્યરત છે.
