Meta-Reliance Industries Deal: ભારતીય બિઝનેસ વર્લ્ડ અને વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે એક ઐતિહાસિક પાર્ટશીપની જાહેરાત કરવામાં આવી છે. એશિયાના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને માર્ક ઝુકરબર્ગના મેટા પ્લેટફોર્મ્સે હાથ મિલાવ્યા છે.
આ બંને વૈશ્વિક દિગ્ગજો ભારતમાં 'લામા' (Llama) આધારિત એન્ટરપ્રાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોલ્યુશન્સ વિકસાવવા માટે એક સંયુક્ત સાહસ (Joint Venture) શરૂ કરવા જઈ રહ્યા છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે પ્રારંભિક તબક્કે ₹855 કરોડ (અંદાજે 100 મિલિયન ડોલર)નું સંયુક્ત રોકાણ કરવામાં આવશે, જેમાં રિલાયન્સ 70% અને મેટા 30% હિસ્સો ધરાવશે.
સંયુક્ત સાહસના બે મુખ્ય પ્રીમિયમ ઉત્પાદનો
આ ડીલ હેઠળ બંને કંપનીઓ સાથે મળીને બે મુખ્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરશે, જે ભારતીય વ્યવસાયોનો ચહેરો બદલી નાખશે:
એન્ટરપ્રાઇઝ એઆઈ પ્લેટફોર્મ-એઝ-એ-સર્વિસ
આ પ્લેટફોર્મ દ્વારા વિભિન્ન કંપનીઓ પોતાના વેચાણ (Sales), આઇટી (IT), ગ્રાહક સેવા (Customer Service) અને ફાઇનાન્સ જેવા મહત્વના વિભાગો માટે જનરેટિવ AI મોડેલ્સને પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ અને મેનેજ કરી શકશે.
સેક્ટર-વિશિષ્ટ AI સોલ્યુશન્સ
આ અંતર્ગત જુદા જુદા ક્ષેત્રોની આંતરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરાયેલા (Tailor-made) AI એપ્લિકેશન્સનો સમૂહ ઓફર કરવામાં આવશે.
જામનગરમાં આકાર લેશે 168 મેગાવોટનું હાઇ-ટેક ડેટા સેન્ટર
આ ભાગીદારીના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં 168 મેગાવોટની વિશાળ ક્ષમતા ધરાવતું એક હાઇપરસ્કેલ ડેટા સેન્ટરનું નિર્માણ કરશે. આ ડેટા સેન્ટરને ભવિષ્યમાં જરૂરિયાત મુજબ વિસ્તૃત કરવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે, જેને મેટા પ્લેટફોર્મ્સ લીઝ પર લેશે. આ સોદો મેટાના ઓપન-સોર્સ લામા મોડેલ સ્ટેક અને ભારતભરમાં ફેલાયેલા રિલાયન્સના લાખો નાના-મોટા વ્યવસાયોના નેટવર્કને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સોલ્યુશન્સ ક્લાઉડ, ઓન-પ્રિમાઇસિસ અને માલિકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાતાવરણમાં ઓપરેટ થઈ શકશે.
રિલાયન્સ સંભાળશે એન્ડ-ટુ-એન્ડ ઓપરેશન્સ
કરાર મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ડેટા સેન્ટરના સંપૂર્ણ જીવનચક્ર દરમિયાન એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરશે. આમાં ડેટા સેન્ટરની ડિઝાઇન, બાંધકામ, યુટિલિટી મેનેજમેન્ટ, નેટવર્ક કનેક્ટિવિટી અને સંપૂર્ણ સંચાલિત ઓપરેશનલ સેવાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ સાથે જ રિલાયન્સ ભારતમાં હાઇપરસ્કેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 'સિંગલ-વિન્ડો સોલ્યુશન પ્રદાતા' તરીકે સ્થાપિત થઈ જશે.
ગ્રીન એનર્જી અને ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજી
ગુજરાતના જામનગરમાં સ્થિત આ પ્રોજેક્ટને ભૌગોલિક સ્થિતિના કારણે અનેક વ્યાપક ફાયદા મળશે. આ સેન્ટર જિઓ (Jio)ના વ્યાપક ફાઇબર નેટવર્ક અને ભારતના પશ્ચિમી સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશનોની નજીક હોવાનો વ્યૂહાત્મક લાભ મેળવશે. પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે, આ સંપૂર્ણ ડેટા સેન્ટર Renewable Energy દ્વારા સંચાલિત થશે. આ ઉપરાંત, સિસ્ટમને ઠંડી રાખવા માટે ક્ષારમુક્ત કરેલા દરિયાઈ પાણીનો ઉપયોગ કરવામાં આવશે.
દરેક ભારતીય સંસ્થાને મળશે AI પાવર
આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, 'મેટા સાથેની અમારી આ ભાગીદારી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક પરિવર્તનશીલ ક્ષણ પૂરી પાડે છે. મેટા જેવા કદાવર વૈશ્વિક ટેકનોલોજી લીડર માટે ભારતના પ્રથમ બિલ્ટ-ટુ-સુટ ડેટા સેન્ટરનું નિર્માણ એ વૈશ્વિક AI ક્રાંતિમાં મોખરે રહેવાની ભારતની તૈયારીને પરાવર્તિત કરે છે. રિલાયન્સમાં, અમે વિશ્વ-સ્તરીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે AI નવીનતાની શક્તિ આગામી પેઢીને આપશે - તે પણ ફક્ત ભારત માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે. હાઇપરસ્કેલ AI કમ્પ્યુટિંગ માટે જામનગર એક સીમાચિહ્નરૂપ સ્થળ બનશે, અને આ વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે મેટા સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે.'
મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, 'અમને ભારતમાં અમારા પ્રથમ AI-એનેબલ્ડ ડેટા સેન્ટરના નિર્માણ માટે રિલાયન્સ સાથે મળીને કામ કરવાનો ગર્વ છે. જામનગરમાં ઊભી થનારી આ વિશ્વ-સ્તરીય સુવિધા ભારતના અર્થતંત્રમાં અમારા લાંબાગાળાના રોકાણને વધુ સુદૃઢ બનાવવાની સાથે અમારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વૈશ્વિક સ્તરે ફેલાવવામાં મદદરૂપ થશે.'
