Coal Shortage: ભારતનું પાવર સેક્ટર અત્યારે કોલસાના સપ્લાઈને લગતા પડકારમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં સતત વીજળીના વધતા વપરાશ વચ્ચે હાઈડ્રોપાવર જનરેશનની સ્થિતિ નબળી છે અને થર્મલ પાવર સ્ટેશન પર્યાપ્ત ઈન્વેન્ટરીઝને જાળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન સરકારે આ સાથે ટૂંક સમયમાં વીજ મથકો પર કોલસાનો જથ્થો વધારવાની ખાતરી આપી છે.
કેન્દ્ર સરકારે દૈનિક રેકોર્ડ 2.6 મિલિયન ટન સુધી કોલસાનો સપ્લાઈ પૂરો પાડી રહેલ છે. જોકે કોલસા આધારિત પાવર પ્લાન્સમાં સતત કોલસાના જથ્થાની તંગી પ્રવર્તિ રહી છે. આ સંજોગોમાં સપ્લાઈ-ચેઈન મેનેજમેન્ટ અને ભારતની ઈલેક્ટ્રિસિટી સિસ્ટમ લઈ પ્રશ્ન સર્જાઈ રહ્યા છે.
ગઈકાલે વીજ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે થર્મલ પાવર સ્ટેશનો ખાતે કોલસાની ઉપલબ્ધતાને ટૂંક સમયમાં સામાન્ય કરી દેવામાં આવશે. રોઈટર્સના અહેવાલ પ્રમાણે વીજળીની માંગમાં અસામાન્ય વધારો થવાને લીધે આ દબાણ સર્જાયું છે. કેટલાક પ્રદેશોમાં કોલસાના ઉત્પાદનમાં ઘટાડો થવાને લીધે તથા હાઈડ્રોપાવરની ઉપલબ્ધતા ઘટવાને લીધે થર્મલ પાવર સ્ટેશન્સ પર દબાણ વધ્યું છે.
સરકારે NTPC સહિત મહત્વના વીજ ઉત્પાદકોને સપ્લાઈમાં વધારો કર્યો છે. જ્યારે કોલસા ઉત્પાદકો તથા ભારતીય રેલવેને ડિલિવરીની સ્થિતિ સુધારવામાં માટે સંકલન કેળવવા માટે કહેવામાં આવ્યું છે.
સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટી(CEA) તરફથી ઉપલબ્ધ માહિતી પ્રમાણે દેશના કોલસા આધારિત 191 પાવર પ્લાન્ટ પૈકી 96 પાવર પ્લાન્ટમાં 19 ઓક્ટોબરના રોજ કોલસાનો જથ્થો જોખમી સ્તરે ઘટી ગયો હતો. આ પાવર પ્લાન્ટમાં ત્રણ દિવસથી પણ ઓછા સમય માટે વીજ ઉત્પાદન કરી શકાય એટલો ઓછો જથ્થો હતો.
સેન્ટર ફોર રિઝર્વ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (CREA)ની માહિતી પ્રમાણે પાવર પ્લાન્ટ ખાતે કોલસાનો વપરાશ જૂન અને સપ્ટેમ્બર મહિના દરમિયાન માસિક 79 મિલિયન ટન જેટલો રહ્યો હતો. જોકે પાવર સ્ટેશન્સમાં પૂરો પાડવામાં આવતો કોલસાનો જથ્થો મે મહિનામાં 74 મિલિયન ટનથી ઓગસ્ટમાં ઘટીને 66 મિલિયન ટન થઈ ગયો હતો. જે માનક જરૂરિયાતના ફક્ત 36 ટકા હતો.
