Layoff in Byju’s: વિશ્વની સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી એડટેક કંપની અને ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરર બાયજૂસ (Byju's)એ ફરી એક વખત 1,000થી 1,200 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ આ છટણી એવા સમયે કરી છે કે જ્યારે Byju's ઝડપભેર પોતાને નફામાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને આ માટે તે પોતાના ખર્ચમાં ઘટાડો કરી રહી છે.
આ સાથે કંપનીની આવકની ઝડપમાં પણ ઘટાડો થયો છે અને સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમમાં ફંન્ડિંગની ઉપલબ્ધતા પણ ઘટી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન મહિનામાં કંપનીએ આશરે 3.50 કરોડ ડોલરમાં બોર્ડ સાથે નવેમ્બર,2023 સુધી ટીમ ઈન્ડિયા જર્સી સ્પોન્સરશીપ કરાર લંબાવ્યો હતો. જોકે કંપની હવે BCCI સાથે પોતાનો કોન્ટ્રેક્ટ ખતમ કરવા ઈચ્છે છે, પણ બોર્ડે કંપનીને ઓછામાં ઓછા માર્ચ, 2023 સુધી કોન્ટ્રેક્ટ જાળવી રાખવા કહ્યું છે.
એન્જીનિયરિંગ ટીમમાંથી 300 કર્મચારીની છટણી કરી
મીડિયા અહેવાલ પ્રમાણે કંપનીએ એન્જીનિયરિંગ, સેલ્સ, લોજિસ્ટીક્સ, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમોમાંથી કર્મચારીઓની છટણી કરી રહી છે. એન્જીનિયરિંગ ટીમમાંથી આશરે 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. લોજિસ્ટીક ટીમના વર્કફોર્સમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બાયજૂસ હવે લોજિસ્ટિક્સને થર્ડ-પાર્ટીથી આઉટસોર્સ કરાવી રહી છે. માટે કંપનીએ પોતાની ઈન-હાઉસ લોજિસ્ટિક્સ ટીમમાં 50 ટકા છટણી કરી છે.
ઓક્ટોબરમાં પણ 2,500 કર્મચારીઓની છટણી કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે બાયજૂસના કો-ફાઉન્ડર અને CEO બાયજૂ રવિન્દ્રને કર્મચારીઓને મોકલેલા ઈન્ટર્નલ મેલમાં એવી ખાતરી આપી હતી કે કંપની હવે કોઈ છટણી કરશે નહીં. કારણ કે તે અગાઉથી જ ઓક્ટોબરમાં 5 ટકા અથવા આશરે 2,500 કર્મચારીઓની છટણી કરી ચુકી છે.