India's first weather derivative launched: ભારતના નાણાકીય બજારમાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. અત્યાર સુધી દેશના રોકાણકારો સોનું, ચાંદી, શેરબજાર, અનાજ કે ક્રૂડ ઓઇલ પર ટ્રેડિંગ કરતા હતા, પરંતુ હવે તેઓ વરસાદ અને ચોમાસા પર પણ દાવ લગાવી શકશે. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ NCDEX દ્વારા SEBIની મંજૂરી મેળવીને ભારતનું સૌપ્રથમ વેધર ડેરિવેટિવ્ઝ (Weather Derivatives) લોન્ચ કરવામાં આવ્યું છે. 1 જૂનથી આ અંતર્ગત દેશનો પહેલો એક્સચેન્જ-ટ્રેડેડ વેધર ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ 'RAINMUMBAI' શરૂ થવા જઈ રહ્યો છે.
શું છે આ વેધર ડેરિવેટિવ્ઝ અને તે કેવી રીતે કામ કરશે?
વેધર ડેરિવેટિવ્ઝ એ એક પ્રકારનો ફાઇનાન્સિયલ કોન્ટ્રાક્ટ છે, જેમાં નફો કે નુકસાન હવામાનના વાસ્તવિક આંકડા પર આધારિત હોય છે. આ કોઈ સામાન્ય સટ્ટો નથી, પરંતુ ફાયનાન્સની ભાષામાં તેને ‘હેજિંગ’ નુકસાન સામે રક્ષણ મેળવવાનું સાધન કહેવામાં આવે છે. ચોમાસાની અનિયમિતતા, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે જે ઉદ્યોગો કે વેપારીઓને આર્થિક નુકસાન થવાની ભીતિ હોય, તેઓ પોતાની નાણાકીય સુરક્ષા માટે આ કોન્ટ્રાક્ટ ખરીદી શકશે. આ એક પેરામેટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં કોઈ ફિઝિકલ ડિલિવરી આપવાની હોતી નથી. વરસાદના આંકડા નક્કી કરેલા સ્તરથી ઉપર કે નીચે જાય એટલે ઓટોમેટિક ચૂકવણી થઈ જાય છે, જેના લીધે નુકસાનનો અલગથી કોઈ સર્વે કરવો પડતો નથી.
પારદર્શક આંકડા અને કામગીરી
આ આખી સિસ્ટમ અત્યંત પારદર્શક રાખવામાં આવી છે. વરસાદના સાચા અને લાઈવ આંકડા મેળવવા માટે એક્સચેન્જે ઇન્ડિયન મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એટલે કે હવામાન વિભાગ સાથે ખાસ કરાર કર્યો છે. કરાર મુજબ આઈએમડીના સત્તાવાર આંકડાના આધારે જ કોન્ટ્રાક્ટનું સેટલમેન્ટ કરવામાં આવશે.
સરળ ઉદાહરણ અને ફાયદા
ધારો કે મુંબઈની કોઈ લોજિસ્ટિક્સ કે ટ્રાન્સપોર્ટ કંપનીને ડર છે કે ભારે વરસાદને કારણે તેનો બિઝનેસ ઠપ થઈ જશે, તો તે એક્સચેન્જ પર જઈને આ કોન્ટ્રાક્ટ ખરીદી લેશે. જો મુંબઈમાં અતિશય વરસાદ ખાબકે અને કંપનીનો ધંધો બંધ રહે, તો આ કોન્ટ્રાક્ટમાંથી મળનારા વળતર દ્વારા કંપની પોતાના નુકસાનની ભરપાઈ કરી શકશે.
કયા સેક્ટર્સને ફાયદો થશે?
ભારતની અર્થવ્યવસ્થા મોસમ પર નિર્ભર હોવાથી આ સુવિધાથી ખેતી અને કૃષિ આધારિત ઉદ્યોગો, લોજિસ્ટિક્સ, FMCG, કન્સ્ટ્રક્શન, એનર્જી-પાવર કંપનીઓ અને મોટા રીટેલ વેપારીઓને સીધો ફાયદો થશે.
શરૂઆત માટે મુંબઈ જ કેમ?
મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. ત્યાં ભારે વરસાદ પડતાં જ સપ્લાય ચેઈન તૂટી જાય છે અને અબજો રૂપિયાનું નુકસાન થાય છે, તેથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે મુંબઈની પસંદગી કરાઈ છે. ભવિષ્યમાં તાપમાન આધારિત કોન્ટ્રાક્ટ્સ, હીટ વેવ ઇન્ડેક્સ અને અન્ય રાજ્યોના વરસાદી ડેરિવેટિવ્ઝ પણ લોન્ચ કરવાની તૈયારી છે. ક્લાઇમેટ ચેન્જના આ યુગમાં વેપારીઓને મોસમની અનિશ્ચિતતાથી બચાવવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.
