Silver Rich Countries: ચાંદીની કિંમતોમાં આગ ઝરતી તેજી છે, છેલ્લા એક વર્ષમાં કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય કે ચાંદી(Silver) વર્ષ 2025માં આટલી ઊંચી સપાટીએ પહોંચશે. શેરબજારમાં કોઈ જ કંપનીના શેર ચાંદીની આજુબાજુ પણ નથી. દરરોજ હજારો રૂપિયાનો ચાંદીની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025માં ચાંદીના ભાવમાં 150 ટકાથી વધારે તેજી જોવા મળી રહી છે.
વર્તમાન સમયમાં ચાંદી વિશ્વની સૌથી કિંમતી ધાતુઓ પૈકીની એક ધાતુ બની ગઈ છે. તેનો ઉપયોગ જ્વેલરી તથા સિક્કા ઉપરાંત ઔદ્યોગિક ઉપયોગ, ઈલેક્ટ્રોનિક્સ અને ગ્રીન એનર્જીમાં પણ થઈ રહ્યો છે. આ સંજોગોમાં ચાંદીની માંગ ખૂબ ઝડપભેર વધી રહી છે.
આજે આપણે વિશ્વમાં કયાં દેશ પાસે સૌથી વધારે ચાંદી છે, અને કયા દેશમાં ચાંદીનું માઈનિંગ (Mining)માં સૌથી આગળ છે. વર્ષ 2023-24માં ખનન (Mining)ના આંકડા પ્રમાણે મેક્સિકો સૌથી આગળ છે. Global Mine Production પ્રમાણે મેક્સિકો (Mexico) વિશ્વમાં સૌથી મોટો ચાંદી ઉત્પાદક દેશ છે. આ દેશમાં આશરે 202 મિલિયન ઔંસ ચાંદીનું ઉત્પાદન કર્યું છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં આશરે 24 ટકા જેટલું છે.
પરું પાસે આશરે 1,10,000 મેટ્રિક ટન ચાંદી
જોકે વિશ્વમાં ચાંદીનો સૌથી વિશાળ ભંડાર પેરુ દેશ પાસે છે. વર્તમાન સમયમાં પરું(Peru) પાસે આશરે 1,10,000 મેટ્રિક ટન ચાંદી છે. વિશ્વમાં કૂલ ચાંદીના ભંડાર પૈકી 17થી 18 ટકા ચાંદી એકલા પેરુ દેશ પાસે છે. પેરુ જેવા દેશ ચાંદીની નિકાસ કરીને આવક મેળવે છે.
ત્યારબાદના ક્રમ પર ઓસ્ટ્રેલિયા તથા રશિયા આવે છે. જેમની પાસે અનુક્રમે આશરે 94,000 મેટ્રિક ટન અને 92,000 મેટ્રિક ટન ચાંદીનો ભંડાર છે. ચીનની વાત કરીએ તો તેની પાસે 72,000 મેટ્રિક ટન ચાંદી છે. તે વૈશ્વિક રેન્કમાં ચોથા ક્રમાંક પર છે. અમેરિકા આશરે 23,000 મેટ્રિક ટન ચાંદીનો ભંડાર ધરાવે છે.
ભારત પાસે કેટલી છે ચાંદી
ભારતમાં ચાંદીનો ભંડાર વૈશ્વિક તુલનામાં ખૂબ જ ઓછો છે. આંકડા પ્રમાણે ભારત પાસે આશરે 8,000 મેટ્રિક ટન ચાંદીનો ભંડાર છે. જે વૈશ્વિક સ્તરે કૂલ ભંડારના ફક્ત 1-2 ટકા જ છે. ઉત્ખનની વાત કરીએ તો ભારત મુખ્યત્વે ચાંદી મુખ્ય સ્રોત તરીકે નહીં પણ સીસા એટલે કે Zinc અને જસત (Lead)ના ઉત્ખનનમાં બાય-પ્રોડક્ટ તરીકે મળી આવે છે. ભારતમાં ચાંદીનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગાણા તથા હરિયાણા છે.
વિશ્વમાં સૌથી વધારે ચાંદીનો ભંડાર (Silver Reserves) ધરાવતા ટોપ-5 દેશ
- પેરુ (Peru): આશરે 1,10,000 મેટ્રિક ટન
- ઓસ્ટ્રેલિયા (Australia): આશરે 94,000 મેટ્રિક ટન
- રશિયા (Russia): આશરે 92,000 મેટ્રિક ટન
- ચીન (China): આશરે 72,000 મેટ્રિક ટન
- પોલેન્ડ (Poland): આશરે 61,000 મેટ્રિક ટન
ભારતમાં ચાંદીનો ઉપયોગ
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં સૌથી મોટો સિલ્વર એટલે કે ચાંદીનો વપરાશકાર દેશ પૈકીનો એક છે. દેશમાં વાર્ષિક ધોરણે 700 ટન ચાંદીનું ઉત્પાદન થાય છે. જ્યારે વપરાશ હજારો ટનમાં છે. આ સંજોગોમાં ભારત ચાંદીનો મોટો આયાતકાર દેશ છે. વર્ષ 2024માં ભારતે વિક્રમજનક 7600 ટન ચાંદીની આયાત કરી હતી. આ માંગ મુખ્યત્વે ઈલેક્ટ્રોનિક્સ, સોલર, ઈલેક્ટ્રિકલ અને અન્ય ટેકનોલોજી સંબંધિત ક્ષેત્રોમાં ઉપયોગને લીધે છે. આ ઉપરાંત ભારતમાં જ્વેલરી માર્કેટમાં પણ ચાંદીની ભારે માંગ છે.

