GST Collection: ઓક્ટોબર 2026માં દેશની ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ(GST) વસૂલાત ખૂબ ઝડપથી વધી છે. 1 નવેમ્બરના રોજ જાહેર આંકડાકીય માહિતી પ્રમાણે ઓક્ટોબરમાં કૂલ GST કલેક્શન વાર્ષિક ધોરણે 22.9 ટકા વધી રૂપિયા 2.31 લાખ કરોડ થયું છે. જે ગયા વર્ષે ઓક્ટોબરમાં રૂપિયા 1.88 લાખ કરોડ હતું.
સપ્ટેમ્બર મહિના દરમિયાન GST કલેક્શનની વૃદ્ધિ 14.7 ટકા હતી. એટલે કે સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં કરવેરાની વસૂલાતથી મળેલ રકમમાં વધારો થયો છે. આ સાથે જ સતત ચાર મહિનાથી દર મહિને GST કલેક્શન રૂપિયા 2 લાખથી વધારે રહ્યું છે.
એપ્રિલ મહિના બાદ બીજો સૌથી મોટો વધારો
ઓક્ટોબરના આંકડા દર્શાવે છે કે GST કલેક્શનમાં વધારો થવાની ઝડપ છેલ્લા કેટલાક મહિનાથી યથાવત છે. જોકે ઓક્ટોબરમાં તેમાં વધારે તેજી આવી છે. જૂન મહિનામાં GST કલેક્શન 13.9 ટકા, જુલાઈમાં 15.4 ટકા, ઓગસ્ટમાં 14.3 ટકા અને સપ્ટેમ્બરમાં 14.7 ટકા વધારો થયો હતો. ઓક્ટોબરમાં આ વધારો 22.9 ટકા પહોંચી ગયો છે.
આયાતથી મળનાર GSTમાં 42 ટકા વધારો
ઓક્ટોબરમાં GST કલેક્શન વધવાથી સૌથી મોટું કારણ આયાતથી મળનાર ટેક્સમાં ઝડપભેર વધારો છે. આયાત પર GSTથી સરકારને રૂપિયા 72,246 કરોડ મળ્યા છે. તે ગયા વર્ષના ઓક્ટોબરના રૂપિયા 50,796 કરોડની તુલનામાં 42.2 ટકા વધારે છે. ઘરેલુ GST કલેક્શનમાં પણ વધારો થયો છે. ઓક્ટોબરમાં ઘરેલુ GSTથી રૂપિયા 1.59 લાખ કરોડ મળ્યા છે, જ્યારે અગાઉના વર્ષે સમાન અવધિમાં રકમ રૂપિયા 1.37 લાખ કરોડ હતી. આ રીતે ઘરેલુ GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે 15.8 ટકા વધારો થયો છે.
નેટ GST કલેક્શન 25.6 ટકા વધ્યું
ઓક્ટોબર મહિનામાં ચોખ્ખુ GST કલેક્શન પણ ઝડપભેર વધ્યું છે. વાર્ષિક ધોરણે 25.6 ટકા વધી રૂપિયા 2.03 લાખ કરોડ થયું છે. ઓક્ટોબર 2025માં ચોખ્ખું GST કલેક્શન રૂપિયા 1.62 લાખ કરોડ થયું હતું. આ દરમિયાન સરકારને કૂલ રૂપિયા 27,934 કરોડનું GST રિફંડ આપ્યું છે.
