Gold-Silver Price Today: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત નજીક છે તેવા સંકેત મળતા રોકાણકારો માટે સુરક્ષિત ગણાતા સોના-ચાંદીના ભાવમાં ઊંચા લેવલે મોટાપાયે નફારૂપી વેચવાલી નિકળતા ભારતીય બુલિયન માર્કેટમાં બન્ને કિંમતી ધાતુના ભાવમાં અસાધારણ ઘટાડો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારના સંકેત પાછળ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે શુદ્ધ સોનુ રૂપિયા 1497 ગગડી રૂપિયા 1,38,376 થયું છે. જ્યારે ચાંદી રૂપિયા 21000 ગગડી રૂપિયા 2,35000ની નીચી સપાટીએ આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જે પ્રમાણે આજે સોના-ચાંદીમાં ભાવ ગગડ્યા છે તે સ્થિતિને જોતા આવતીકાલે એટલે કે 30મી ડિસેમ્બરના રોજ સ્થાનિક બજારોમાં મંદીનું જાણો મોટું તોફાન જોવા મળી શકે છે. આ અહેવાલ લખાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં એકતરફી જંગી વેચવાલી જોવા મળી રહી છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં તીવ્ર આંચકો લાગ્યો છે. અમદાવાદ ખાતે બન્ને કિંમતી ધાતુમાં મોટો ઘટાડો આવ્યો છે. આજે અમદાવાદ ચાંદી કિલોનો ભાવ રૂપિયા 15000 ગગડી રૂપિયા 237000 થયો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 3000 તૂટી રૂપિયા 142000 થયો છે. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 3000 ઘટી રૂપિયા 1,41,700 થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 135 ડોલર એટલે કે 2.94 ટકા ગગડી 4,404 ડોલર થયા છે. જ્યારે ચાંદીમાં જાણે મંદીની સર્કિટ લાગી હોય તેમ 6.40 ડોલર એટલે કે 8.08 ટકાના કડાકા સાથે 72.85 ડોલર થયો છે.
