દિવાળી પહેલાં મોંઘવારીનો નવો ઝટકો, ગ્લોબલ શુગર ક્રાઈસિસના કારણે ભારતમાં મોંઘી થઈ શકે છે ખાંડ!

ભારત અને બ્રાઝિલમાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ વધવાના એંધાણ છે. દિવાળીના તહેવારો પહેલાં ભારતીય બજાર અને ગ્રાહકો પર તેની શી અસર પડશે, જાણો વિગતવાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 05 Oct 2026 10:28 PM (IST)Updated: Mon, 05 Oct 2026 10:28 PM (IST)
global-sugar-crisis-may-hike-prices-in-india-before-diwali

Sugar Price Hike: તહેવારોની સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સામાન્ય જનતાના રસોડાનું બજેટ બગડી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને બ્રાઝિલ જેવા મોટા ઉત્પાદક દેશોમાં શેરડીના પાક પર કુદરતી માર પડવાને કારણે વૈશ્વિક સ્તરે ખાંડની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે, જેની સીધી અસર ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

ગ્લોબલ લેવલે કેમ સર્જાયું સંકટ?

ભારત અને બ્રાઝિલ દુનિયાના એવા બે મોટા દેશ છે જે વૈશ્વિક સ્તરે કુલ ખાંડ ઉત્પાદનનો લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે. આ બંને દેશોમાં આ વખતે હવામાનની પ્રતિકૂળ અસર શેરડીની ખેતી પર પડી છે. બ્રાઝિલમાં ભારે વરસાદ અને આબોહવાકીય ફેરફારોના કારણે શેરડીના પાકની કાપણી અને પિરાઈનું કામ પ્રભાવિત થયું છે, જેના કારણે ત્યાં ખાંડનું ઉત્પાદન અગાઉની સરખામણીએ ઘણું ઘટી ગયું છે.

બીજી બાજુ ભારતમાં પણ નબળા ચોમાસાની સીધી અસર શેરડીના પાક અને શુગર રિકવરી રેટ પર પડી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અગ્રેસર રાજ્યોમાં ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈન્ટરનેશનલ શુગર ઓર્ગેનાઈઝેશન (ISO) એ પણ ચેતવણી આપી છે કે જો ઉત્પાદન ઘટશે તો ગ્લોબલ માર્કેટમાં ખાંડની ભારે અછત સર્જાઈ શકે છે.

દેશમાં શું છે સ્થિતિ અને શા માટે વધશે ભાવ?

એક સવાલ એ થાય કે જો ભારતમાં પૂરતા પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન થતું હોય અને ઘરેલુ જરૂરિયાતો પૂરી થઈ જતી હોય, તો વૈશ્વિક સંકટની અસર અહીં કેમ દેખાય?
નિષ્ણાતોના મતે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઊંચા જાય છે ત્યારે ખાંડ મિલોને નિકાસ (Export)માં વધુ નફો દેખાય છે. આ કારણે દેશમાં ઉપલબ્ધ સ્ટોક પર દબાણ વધે છે અને ભવિષ્યની અછતની આશંકાએ વેપારીઓ કે મિલો દ્વારા સ્ટોક રોકી રાખવામાં આવે છે, જેના લીધે સ્થાનિક બજારમાં પણ ભાવ ભડકે બળે છે. ગત દિવસોમાં પણ જુલાઈ-ઓગસ્ટ દરમિયાન ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

તહેવારોની સિઝનમાં ચિંતા વધી

દિવાળી અને મીઠાઈઓની સિઝન બરાબર સરસામાન પર હોય તે ટાણે જ ખાંડના ભાવ વધવાના અહેવાલોએ સામાન્ય ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે. જો આ સ્થિતિ પર કાબૂ નહીં મેળવાય તો તહેવારોમાં મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો વધુ મોંઘા થઈ શકે છે. સરકાર દ્વારા બજાર પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ વૈશ્વિક બજારના રૂખને જોતા મોંઘવારીથી રાહત મળવી મુશ્કેલ લાગી રહી છે.