Bloomberg Billionaires Index: ગૌતમ અદાણીની કમાણીમાં હવે ધીમે-ધીમે ફરીથી વધારો થવા લાગ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ અદાણીની કંપનીના શેરોમાં મોટો ઉછાળો થયો છે, જેના કારણે તેમની તીજોરી છલકાઈ ગઈ છે. શેરોમાં આવેલા ઉછાળાની અસર અદાણીની નેટવર્થ પર પણ જોવા મળી રહી છે. જેથી અદાણીએ વિશ્વના ધનિકોની યાદીમાં મોટી છલાંગ લગાવી છે.
જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી જ ગૌતમ અદાણીનો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો, જ્યારથી અમેરિકન શૉર્ટ શેલિંગ કંપની હિડનબર્ગે અદાણી પર પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં અદાણી પર શેરોમાં હેરાફેરીની સહિત અનેક સંગીન આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણીની કંપનીઓના શેરો તૂટવા લાગ્યા હતા. રિપોર્ટ અગાઉ વિશ્વના ત્રીજા ક્રમના ધનિક રહેલા અદાણી સતત પાછળ પડતા ગયા અને સીધા 38માં ક્રમે પહોંચી ગયા હતા. જો કે હવે છેલ્લા એક સપ્તાહમાં અદાણીની કંપનીના શેરોમાં આવેલા જોરદાર ઉછાળાએ ફરીથી તેમને ટૉપ-25માં પહોંચાડી દીધા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીએ છેલ્લા 24 કલાકમાં 1.97 અબજ ડૉલરની કમાણી કરી છે. જેના કારણે તેમની કુલ નેટવર્થ પર વધીને 54 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં શાનદાર કમાણીના કારણે અદાણીએ વિશ્વના ધનિકોની યાદીમાં 12 ક્રમનો કૂદકો માર્યો છે અને હાલ 22માં સ્થાને પહોંચી ગયા છે.
Bloomberg Billionaires Index મુજબ, ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ અરનૉલ્ટ 187 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક શખ્સ છે. જ્યારે ટ્વીટર અને ટેસ્લાના માલિક એલન મસ્ક 170 અબજ ડૉલરની સંપત્તિ સાથે બીજા, 117 અબજ ડૉલરની સંપત્તિ સાથે જેફ બેજોસ ત્રીજા, 114 ડૉલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સ ચોથા અને અમેરિકન ઈન્વેસ્ટર વૉરેન બફેટ 109 ડૉલરની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે.
જો આ ઈન્ડેક્સમાં ભારતીયોની વાત કરીએ તો, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વમાં સૌથી ધનિક ભારતીય છે. 83.6 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી આ યાદીમાં 11માં ક્રમે છે.
