Adani Group In Hospitality Sector:અદાણી ગ્રુપ હવે હોસ્પિટાલિટી એટલે કે હોટેલ બિઝનેસમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ પ્રમાણે ગૌતમ અદાણીના વડપણ હેઠળ અદાણી ગ્રુપ દેશના સૌથી મોટા હોટેલ પોર્ટફોલિયો પૈકી એક તૈયાર કરવાની યોજના ઘડી રહ્યા છે.
અદાણી ગ્રુપની આ બિઝનેસમાં એન્ટ્રી એરપોર્ટ તથા રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલ છે. તેનાથી ગ્રુપ ઈન્ફ્રાસ્ટ્રક્ટરમાં આવક મેળવવાનો સ્રોત ઉભો કરશે તથા ટાટા ગ્રુપની તાજ, ITC હોટેલ્સ તથા ઓબેરોય જેવી દિગ્ગજ બ્રાન્ડ અંતર્ગત આવતી હોટેલોને પ્રત્યક્ષ રીતે ટક્કર આપશે. અહેવાલ પ્રમાણે અદાણી ગ્રુપ ભારતમાં 60થી વધારે હોટેલ બનાવવાની યોજના ધરાવે છે.
આ હોટેલ મુખ્યત્વે એરપોર્ટ્ તથા રિયલ એસ્ટેટ પ્રોડેક્ટ સાથે જોડાયેલ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે અદાણી ગ્રુપ દેશમાં સાત એરપોર્ટનું સંચાલન કરી રહ્યું છે, જ્યારે નવી મુંબઈ એરપોર્ટનો વિકાસ તેણે જાતે જ કર્યો છે. અદાણી ગ્રુપ મોટાભાગની હોટેલનો વિકાસ જાતે જ કરશે.
આ શહેરમાં 15 હોટેલ
અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણીને ટાંકી દાવો કરવામાં આવ્યો છે કે હોટેલોની સંખ્યાની દ્રષ્ટિએ આ પોર્ટફોલિયો દેશના સૌથી મોટી હોટેલો પૈકી ગણવામાં આવશે. આ હોટેલ બિઝનેસને વેગ આપતી યોજનાના કેન્દ્રમાં નવી મુંબઈ છે. અહીં અદાણી ગ્રુપ એક નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરી રહ્યું છે તથા તેની આજુબાજુ મોટાપાયે રિયલ એસ્ટેટને વિકસિત કરી રહેલ છે.
એકલા નવી મુંબઈમાં જ આશરે 15 હોટેલ તૈયાર કરવાની યોજના છે. અદાણી ગ્રુપ પોતાની હોટેલોને તેના બ્રાન્ડ નામથી જ સંચાલિત કરશે, આંતરરાષ્ટ્રીય હોટેલ ઓપરેટરો સાથે પણ ભાગીદારી કરશે. એટલે કે અદાણી ગ્રુપ હોટેલો બનાવશે અને માલિકી હક્ક રાખશે, જોકે તેનું સંચાલન, મેનેજમેન્ટ તથા ગ્રાહકોને આકર્ષિત કરવાની કામગીરી જાણીતી હોટેલ કંપનીઓ કરી શકે છે.
