EPFO Pension: EPS-95 પેન્શન મેળવનાર માટે લઘુત્તમ માસિક પેન્શન વધારવાની માંગ સંસદના શિયાળુ સત્રમાં ફરી ઉઠવા પામી છે. કારણ કે લાખો નિવૃત લોકો વધી રહેલા ખર્ચમાં રાહત મેળવવા ઈચ્છે છે. પેન્શન વધારવાને લઈ અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. જો EPSનું લઘુત્તમ પેન્શન વધારવામાં આવે છે તો તેનાથી કરોડોની સંખ્યામાં કર્મચારીઓને ફાયદો થશે. આ ચર્ચા વચ્ચે પ્રશ્ન એ છે કે શું ખાનગી સેક્ટરના કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થઈ ચુક્યા છે તેમનું પેન્શન વધશે.
હકીકતમાં 1 ડિસેમ્બર, 2025ના રોજ સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સંચાલિત યોજના હેઠળ લઘુત્તમ પેન્શન રૂપિયા 1,000 થી વધારીને રૂપિયા 7,500 કરવાની શક્યતા અંગેના સંસદીય પ્રશ્નનો જવાબ આપ્યો હતો.
સરકાર પેન્શન વધારવાનું વિચારી રહી નથી
EPS-95 જે 8 મિલિયનથી વધુ પેન્શનરોને આવરી લે છે, તે 1995 માં સંયુક્ત યોગદાન અને લાભ સામાજિક સુરક્ષા કાર્યક્રમ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2014 થી લઘુત્તમ પેન્શન દર મહિને રૂપિયા 1,000 પર રહ્યું છે, જેના કારણે લાભાર્થીઓ દલીલ કરે છે કે આ રકમ ફુગાવા અને વધતા ખર્ચ સાથે સુસંગત નથી. વધુમાં પેન્શનરોના સંગઠનો સરકાર પાસેથી લઘુત્તમ પેન્શન ઓછામાં ઓછું રૂપિયા 7,500 કરવા નિયમિત મોંઘવારી ભથ્થું (DA) દાખલ કરવા અને ઉચ્ચ પેન્શન લાભો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે.
શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ આ ચિંતાઓને દૂર કરતા સ્પષ્ટતા કરી કે સરકાર પાસે હાલમાં લઘુત્તમ પેન્શન રૂપિયા 7,500 સુધી વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે EPS ફંડની નાણાકીય મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું હતું, જે માર્ચ 2019 માં તાજેતરના મૂલ્યાંકન મુજબ, એક્ચ્યુરિયલ ખાધ ધરાવે છે, જે દર્શાવે છે કે ઉપલબ્ધ યોગદાન ભવિષ્યની જવાબદારીઓને પહોંચી વળવા માટે પૂરતું નથી.
શું નિવૃત્ત ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ પેન્શનમાં વધારો મળશે?
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ EPS હેઠળ પેન્શન માટે પાત્ર છે. જો કે ફક્ત તે કર્મચારીઓ જ પાત્ર છે જેમણે ઓછામાં ઓછા 10 વર્ષ કામ કર્યું છે અને તેમનો PF કાપવામાં આવ્યો છે.
જો કોઈ કર્મચારી આ માપદંડોને પૂર્ણ કરે છે અને પેન્શન મેળવી રહ્યો છે તો તેમને EPS લઘુત્તમ પેન્શનમાં વધારાનો પણ લાભ મળશે. આનો અર્થ એ છે કે જો સરકાર આ રકમમાં વધારો કરે છે તો તેનો સીધો લાભ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓને થશે.
