Elon Musk World's First Trillionaire: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેક એન્ટરપ્રેન્યોર ઈલોન મસ્કે (Elon Musk) અર્થતંત્રના ઇતિહાસમાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ફોર્બ્સના તાજા અહેવાલ મુજબ, સ્પેસએક્સ (SpaceX) ના અદભુત મૂલ્યાંકનના જોરે મસ્કની કુલ નેટવર્થ $1.1 ટ્રિલિયન (આશરે ₹92 લાખ કરોડ) ને વટાવી ગઈ છે અને તેઓ સત્તાવાર રીતે વિશ્વના સૌપ્રથમ 'ટ્રિલિયનર' બની ગયા છે.
યુ.એસ. સેન્સસ બ્યુરોના તાજેતરના ડેટા અનુસાર, વર્તમાન સમયમાં પૃથ્વી પરની કુલ વસ્તી આશરે 8.2 અબજ લોકોની છે. જો ઈલોન મસ્કની 1 ટ્રિલિયન ડોલરની આ અઢળક સંપત્તિને પૃથ્વી પર રહેતા તમામ લોકોમાં સમાન રીતે વહેંચવામાં આવે, તો વિશ્વના દરેક નાગરિકના હિસ્સામાં આશરે 122 ડોલર એટલે કે અંદાજે 10,300 રૂપિયા આવી શકે છે.
ગાણિતિક ગણતરીએ સમજીએ તો, 1 ટ્રિલિયન ડોલરની રકમ 1 અબજ ડોલર કરતાં 1,000 ગણી અને 10 લાખ ડોલરની સરખામણીમાં 10 લાખ ગણી મોટી છે.
મસ્કની સંપત્તિ અને વિશ્વના દેશોની જીડીપી વચ્ચે શું સંબંધ છે?
IMF ના વર્ષ 2026 ના ડેટા દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકાની કુલ વાર્ષિક જીડીપી (GDP) આશરે 480 અબજ ડોલર છે. આ સરખામણીએ મસ્કની સંપત્તિ સમગ્ર દક્ષિણ આફ્રિકાના કુલ આર્થિક ઉત્પાદન કરતાં બમણી છે. નોંધનીય છે કે, વર્તમાન સમયમાં વિશ્વના માત્ર 21 દેશો જ એવા છે જેમનું અર્થતંત્ર 1 ટ્રિલિયન ડોલરના આંકડાને વટાવી શક્યું છે.
યુએસમાં આ સંપત્તિથી કેટલા ઘર ખરીદી શકાય?
સેન્ટ લુઇસની ફેડરલ રિઝર્વ બેંકના આંકડા મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ (US) માં વેચાતા એક સરેરાશ ઘરની કિંમત આશરે 403,200 ડોલર છે. ઈલોન મસ્કની 1 ટ્રિલિયન ડોલરની સંપત્તિથી યુએસમાં આવા આશરે 2.5 મિલિયન (25 લાખ) ઘરો ખરીદી શકાય છે. રિયલ એસ્ટેટના દ્રષ્ટિકોણથી આ રકમ એટલી મોટી છે કે તે કોઈ એક આખા દેશની રહેઠાણની જરૂરિયાતોને આરામથી પૂરી કરી શકે છે.
અન્ય ધનિકોની સરખામણીમાં ઈલોન મસ્ક કેટલા આગળ છે?
ફોર્બ્સની યાદી અનુસાર, વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને ગુગલના સહ-સ્થાપક લેરી પેજ છે, જેમની કુલ સંપત્તિ 295 બિલિયન ડોલર છે. તેઓ મસ્ક કરતાં 705 બિલિયન ડોલર પાછળ છે. મસ્કની સંપત્તિની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જો વિશ્વના આગામી ચાર સૌથી ધનિક વ્યક્તિઓની સંપત્તિ ભેગી કરવામાં આવે, તો પણ તે માંડ મસ્કની બરાબર થાય છે, લેરી પેજ $295 બિલિયન, સેર્ગેઈ બ્રિન $272 બિલિયન, જેફ બેઝોસ $247 બિલિયન અને લેરી એલિસન: $228 બિલિયન. આ ચારેય અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ પણ ઈલોન મસ્કની એકલાની નેટવર્થ જેટલી જ થાય છે.
