Elon Musk SpaceX World Biggest IPO: એલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) આગામી વર્ષે એટલે કે વર્ષ 2026માં મૂડી બજારમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. કંપની તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે તૈયારી કરી રહી છે.
કંપનીએ તેના IPO મારફતે આશરે 30 અબજ ડોલરનું જંગી મૂડી ભંડોળ ઊભુ કરવાની યોજના ધરાવી શકે છે. જો જાહેર ભરણાનું કદ આટલું વિશાળ હશે તો તે વિશ્વના ઈતિહાસમાં સૌથી મોટો IPO હશે અને ઈતિહાસમાં સૌથી મોટું લિસ્ટીંગ સાબિત થશે.
મનીકન્ટ્રોલના અહેવાલ પ્રમાણે એલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX IPO) તેના સંપૂર્ણ બિઝનેસને આશરે 1.5 ટ્રિલિયન ડોલર એટલે કે 1 લાખ 50 હજાર અબજ ડોલરના વેલ્યુ પર લઈ જવા ઈચ્છે છે. આ વેલ્યૂ સાઉદી અરેબિયાની અરામકોના વર્ષ 2019ના રેકોર્ડની સમકક્ષ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે અરામકો કંપનીએ 29 અબજ ડોલરનું જંગી મૂડી ભંડોળ એકત્રિત કર્યું હતું. અલબત જો આ બાબત હવે સાકાર થશે તો સ્પેસએક્સ વિશ્વની સૌથી મોંઘી લિસ્ટેડ કંપની બની જશે.
શું ભારતીય રોકાણકારોને રોકાણ માટે તક મળશે?
હવે પ્રશ્ન એ થાય કે શું આટલા મોટા જાહેર ભરણામાં ભારતીય રોકાણકારોને રોકાણ માટે કોઈ તક મળી શકે કે નહીં. તો તેનો જવાબ છે હા. ભારતીયો RBIની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ અંતર્ગત આ અમેરિકી IPOમાં રોકાણ કરી શકે છે. જે અંતર્ગત દર વર્ષે 250,000 ડોલર સુધી વિદેશમાં રોકાણ મોકલવામાં આવે છે.
આ માટે તમારે પહેલા બ્રોકર પસંદ કરવાની જરૂર પડશે. એવા ભારતીય પ્લેટફોર્મ સાથે ગ્લોબલ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવો કે જે USમાં રોકાણ ઓફર કરે છે અથવા સીધા એવા US બ્રોકર પાસે અકાઉન્ટ ખોલાવો કે જે IPO ઍક્સેસ પ્રદાન કરે છે. તમામ બ્રોકર્સ IPO અરજીને મંજૂરી આપતા નથી, તેથી તમારે આ અગાઉથી તપાસવાની જરૂર પડશે.
એલોન મસ્ક(Elon Musk) હાલમાં સૌથી ધનિક વ્યક્તિ છે
રિપોર્ટમાં જણાવાયું છે કે વોલ સ્ટ્રીટમાં SpaceXના પ્રવેશથી એલોન મસ્કની સંપત્તિમાં વધુ ઉમેરો થશે. વિશ્વના ટોચના અબજોપતિઓની બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ(Bloomberg Billionaires Index)ની યાદીમાં પ્રથમ ક્રમે રહેલા એલોન મસ્કની 1.5 બિલિયન ડોલરના મૂલ્યાંકન પર ફક્ત સ્પેસએક્સમાં એલોન મસ્કનો હિસ્સો 625 બિલિયન ડોલરથી વધુ હશે, જ્યારે હાલમાં તેની કિંમત લગભગ 136 બિલિયન ડોલર છે.
