Economic Survey 2026: આર્થિક સર્વેક્ષણ 2026 આજે 29 જાન્યુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2026 પહેલાં રજૂ થતું આ સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિનું વિસ્તૃત મૂલ્યાંકન કરે છે અને સરકાર માટે વાર્ષિક 'રિપોર્ટ કાર્ડ' તરીકે કાર્ય કરે છે. તેમાં અર્થતંત્રની દિશા, વિવિધ ક્ષેત્રોના વલણો અને આવનારી નીતિગત પ્રાથમિકતાઓ અંગે મહત્વપૂર્ણ સંકેતો આપવામાં આવે છે.
બે દિવસ બાદ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ થવાનું છે, પરંતુ તે પહેલાં રજૂ થતું આર્થિક સર્વેક્ષણ નાણામંત્રીના બજેટ ભાષણ પહેલાં જ દેશની આર્થિક સ્થિતિને ઉજાગર કરે છે. આ દસ્તાવેજ સરકારની નીતિઓ, સુધારાઓ અને ભવિષ્યની યોજનાઓને સમજવા માટે આધારરૂપ માનવામાં આવે છે.
બજેટના નિર્ણયોમાં મહત્વની ભૂમિકા
આર્થિક સર્વેક્ષણ કૃષિ, ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ, રોજગાર, નાણાં પુરવઠો, ફુગાવો, વેપાર, વિદેશી વિનિમય અનામત સહિતના મુખ્ય મેક્રોઇકોનોમિક સૂચકાંકોનું વિશ્લેષણ કરે છે. આ તમામ પરિબળો કેન્દ્રીય બજેટમાં સંસાધનો એકત્રિત કરવા અને તેનો વહેંચણો કરવા માટેની વ્યૂહરચનાને સીધી રીતે પ્રભાવિત કરે છે. આ વલણોના આધાર પર કાયદા ઘડનારાઓ તેમજ સામાન્ય નાગરિકોને સરકારના મહેસૂલ અંદાજ, ખર્ચની પ્રાથમિકતાઓ અને ઉધાર નીતિઓ પાછળનું તર્ક વધુ સ્પષ્ટ રીતે સમજાય છે.
બજેટ અને સર્વેક્ષણની બદલાતી ભૂમિકા
સમય સાથે બજેટની ભૂમિકા પણ બદલાઈ છે. સ્વતંત્રતા પછી, ખાસ કરીને પંચવર્ષીય યોજનાઓની શરૂઆત બાદ, બજેટ માત્ર આવક અને ખર્ચનો હિસાબ રહ્યો નથી, પરંતુ તે સરકારી નીતિઓ વ્યક્ત કરવાનું મુખ્ય માધ્યમ બન્યું છે. સરકારના ખર્ચનું વિશ્લેષણ હવે વ્યાપક આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે, જેમાં મૂડી નિર્માણ, સીધો સરકારી ખર્ચ, તેમજ અનુદાન અને લોન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં થતી નાણાંની વહેચણીનો સમાવેશ થાય છે. આ વિગતવાર માહિતી નાણા મંત્રાલય દ્વારા પ્રકાશિત કેન્દ્ર સરકારના બજેટના આર્થિક અને કાર્યાત્મક વર્ગીકરણમાં અલગથી રજૂ કરવામાં આવે છે.
આર્થિક સર્વેક્ષણ કોણ તૈયાર કરે છે?
આર્થિક સર્વેક્ષણ મુખ્ય આર્થિક સલાહકાર (CEA) દ્વારા તૈયાર કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં તેની રજૂઆતની શૈલીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલ આર્થિક સર્વે 2021-22 દરમિયાન આઠ વર્ષ પછી ફરી એક-વોલ્યુમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, અગાઉનું બે-વોલ્યુમ માળખું વધુ જટિલ અને ભારરૂપ બનતું જઈ રહ્યું હતું.
