Gold Price Rupee 1 Lakh: સોનાના ભાવ ઘટીને રૂપિયા 1 લાખ થઈ શકે છે; ખાડી યુદ્ધ, ક્રુડ ઓઈલની સતત વધતી કિંમત જવાબદાર બનશે

ક્રુડ ઓઈલના ભાવ 120 ડોલરની સપાટી કુદાવે અને ત્યારબાદ પણ આગેકૂચ જાળવી રાખે, ઈરાન યુદ્ધની સ્થિતિ વઘુ ઘેરી બને તે સંજોગોમાં સોનામાં તેજીનો ફુગ્ગો ફુટી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Mar 2026 04:36 PM (IST)Updated: Sun, 22 Mar 2026 02:49 PM (IST)
gold-prices-likely-to-fall-to-rs-1-lakh-amids-gulf-war-and-rising-crude-prices-will-have-adverse-impact

Gold Price Rupee 1 Lakh: વિશ્વસ્તરે પર સર્જાયેલી ભૂ-રાજકિય ચિંતા, ખાડી યુદ્ધની સ્થિતિ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ 110 ડોલરથી ઉપર થઈ જતા તેની ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રો પર અસર જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષથી સતત તેજી નોંધાવી રોકાણકારોને પોતાની તરફ આકર્ષી રહેલા સોના પર પણ આ યુદ્ધની અસર જોવા મળી શકે છે.

જો ક્રુડ ઓઈલના ભાવ 120થી ઉપરની સપાટી પર યથાવત રહે અને ત્યારબાદ પણ વધતા રહેશે તો સોનાના ભાવમાં મોટો કડાકો આવી શકે છે અને ઘરઆંગણે તેનો ભાવ રૂપિયા 1 લાખની સપાટી ગુમાવી દે તેવી શક્યતા છે. કારણ કે ક્રુડ ઓઈલના વધતા ભાવની સ્થિતિ વચ્ચે વિશ્વની મધ્યસ્થ બેન્કોએ ક્રુડ ઓઈલની ખરીદી માટે સતત પોતાનું હૂંડિયામણ ખાલી કરવું પડશે અને પોતાની પાસે જમા સોના પૈકી કેટલોક હિસ્સો વિશ્વ બજારમાં વેચવાલની નોબત આવી શકે છે.

આ સંજોગોમાં મધ્યસ્થ બેન્કો દ્વારા તાજેતરના વર્ષોમાં જે સોનાની ખરીદી કરવામાં આવી છે તે પૈકી કેટલોક ભાગ વેચવો પડે તથા વ્યાજ દરોને ઊંચા સ્તરે જાળવી મોંઘવારી સામે લડવાનો પ્રયત્ન થાય તેવી શક્યતા છે.

આ સંજોગોમાં સોનાનું ખુલ્લા બજારમાં વેચવાની ફરજ પડે તેવી સ્થિતિમાં સોનાના ભાવ પર દબાણ આવી શકે છે. આ ઉપરાંત મોંઘવારીની સ્થિતિમાં બેન્ક વ્યાજ દરો ઊંચા રહે અને લોકો સોનાથી અન્યત્ર વળે અને ફિક્સ્ડ ડિપોઝીટ તરફ વલણ અપનાવી શકે છે.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે રિટેલ માંગ તેમ જ મધ્યસ્થ બેન્કો તરફથી સોનાની ખરીદીનું જે વલણ હતું તે તદ્દન વિપરીત વેચાણ તરફી થઈ જાય તેવા સંજોગોમાં સોનાના ભાવ રૂપિયા 1 લાખ સુધી ગગડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી,2026 દરમિયાન સોનાના સૌથી વધારે 1,82,000ની સપાટી કુદાવી હતી, તે સ્તરેથી અત્યાર સુધીમાં સોનાના ભાવ આશરે રૂપિયા 35 હજાર તૂટી ગયા છે.