Gold Price Prediction Chris Wood: ભારતના કરોડો પરિવારો માટે સોનાના રોકાણ અને સંપત્તિ સંબંધિત એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ગ્લોબલ ફાઈનાન્સિયલ માર્કેટના દિગ્ગજ અને જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઈક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ વૂડે ભવિષ્યવાણી કરી છે કે વૈશ્વિક સંજોગોને કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ $10,000 પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી શકે છે. જો આ અનુમાન સાચું પડે છે, તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત ₹3.20 લાખને પાર પહોંચી જશે.
અમેરિકી બોન્ડ માર્કેટ, નબળો ડોલર અને સોનામાં ઉછાળો
ક્રિસ વૂડના જણાવ્યા મુજબ, અમેરિકી સરકારના વધતા દેવા અને ઊંચા વ્યાજ ખર્ચને કારણે અમેરિકી બોન્ડ માર્કેટ પર ભારે દબાણ આવી શકે છે. જો અમેરિકી ફેડરલ રિઝર્વ કે સરકારને પોતાની ટ્રેઝરી યીલ્ડને બળજબરીથી નીચે રાખવા માર્કેટમાં હસ્તક્ષેપ કરવો પડશે, તો સિસ્ટમમાં નાણાંનો પુરવઠો વધશે અને અમેરિકી ડોલર લાંબા સમય માટે નબળો પડશે. સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત ડોલરમાં નક્કી થતી હોવાથી, ડોલરમાં થતો ઘટાડો અને વૈશ્વિક ફુગાવાનો ડર સોના માટે ભારે પોઝિટિવ સાબિત થશે, જેનાથી સોનું પ્રતિ ઔંસ $10,000 ની આંકડાકીય સપાટી વટાવી શકે છે.
ભારતમાં કેવો રહેશે ભાવનો હિસાબ?
અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ લગભગ $4,366.80 પ્રતિ ઔંસ (1 ઔંસ = 31.10 ગ્રામ) છે, જે હાલના ડોલર દર મુજબ ભારતમાં 10 ગ્રામની બેસિક કિંમત ₹1.35 લાખ આસપાસ થાય છે. જો સોનું $10,000 પર પહોંચે છે અને 1 ડોલરનો ભાવ ₹96 પર સ્થિર રહે, તો સીધા કન્વર્ઝન મુજબ 10 ગ્રામ સોનાનો બેસિક ભાવ ₹3,08,650 (લગભગ ₹3.09 લાખ) થઈ જશે, જે વર્તમાન ભાવથી 129% નો મોટો વધારો દર્શાવે છે.
જો આ સમયગાળા દરમિયાન રૂપિયો નબળો પડીને પ્રતિ ડોલર ₹100 થઈ જાય, તો ભારતમાં 10 ગ્રામ સોનાનો બેસિક ભાવ ₹3.22 લાખ સુધી પહોંચી જશે. આ સિવાય ભારતમાં આયાત જકાત (ઈમ્પોર્ટ ડ્યુટી), જીએસટી, ડીલર માર્જિન અને મેકિંગ ચાર્જીસ ઉમેરાતા ગ્રાહકો માટે રીટેલ ભાવ આનાથી પણ વધુ હોઈ શકે છે.
ભારતીય પરિવારોની બેલેન્સ શીટ મજબૂત થશે
ભારતમાં સોનાને માત્ર રોકાણ નહીં પરંતુ એક સુરક્ષિત સંપત્તિ ગણવામાં આવે છે. ક્રિસ વૂડે જણાવ્યું કે જો સોનું ₹3 લાખને પાર થાય છે, તો ભારતીય પરિવારો પાસે પહેલાથી પડેલા સોનાનું 'મોનેટાઈઝેશન' થશે, એટલે કે તેમની પાસે રહેલી સંપત્તિનું મૂલ્ય કાગળ પર અનેક ગણું વધી જશે. જરૂરિયાતના સમયે પરિવારો આ વધેલી વેલ્યુના આધારે ગોલ્ડ લોન લઈ શકશે અથવા વેચીને શિક્ષણ, બિઝનેસ કે ઘર ખરીદી માટે આર્થિક સહારો મેળવી શકશે.
જોકે નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે $10,000નો આંકડો કોઈ ચોક્કસ તારીખ વાળો ટાર્ગેટ નથી પરંતુ ખાસ આર્થિક સ્થિતિ પર આધારિત ગણતરી છે. રોકાણકારોએ ઉતાવળમાં બધું જ રોકાણ સોનામાં કરવાને બદલે તેને પોતાના પોર્ટફોલિયોના હેજિંગ (સુરક્ષા કવચ) તરીકે જોવું જોઈએ.
