UPI Payment Extra Charge: આજના ડિજિટલ યુગમાં નાની-મોટી દરેક ખરીદી માટે UPI લોકોની પ્રાથમિક પસંદગી બની ગયું છે. જોકે, ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક દુકાનદારો ગ્રાહકો પાસે UPI પેમેન્ટ કરવા બદલ વધારાના પૈસા વસૂલવાની કોશિશ કરે છે. 'MDR નિયમ' કે '2000 થી વધુના ટ્રાન્ઝેક્શન'નું બહાનું બતાવીને ગ્રાહકો પર વધારાનો બોજ નાખવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે શું કોઈ વેપારી કાયદાકીય રીતે આ પ્રકારનો ચાર્જ વસૂલી શકે?
શું દુકાનદાર વધારાનો ચાર્જ માગી શકે?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને સરકારના નિયમો અનુસાર, મર્ચન્ટ સાઈડ ચાર્જ અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ વેપારીએ પોતે જ ભોગવવાનો હોય છે, જે તેમણે પોતાની બેંક કે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને ચૂકવવાનો હોય છે. 2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4% સુધીનો MDR લાગુ થઈ શકે છે, પરંતુ તે ગ્રાહક પાસેથી વસૂલી શકાતો નથી.
ઉદાહરણ તરીકે, જો કોઈ વસ્તુની કિંમત 500 કે 2000 હોય, તો વેપારી તમારી પાસે ₹505 કે વધુ રકમ ન માગી શકે. જો કોઈ દુકાનદાર આવી માંગણી કરે, તો તમે વધારાની રકમ આપવાની સ્પષ્ટ ના પાડી શકો છો અને તે ટ્રાન્ઝેક્શન રદ કરીને તંત્રમાં ફરિયાદ નોંધાવી શકો છો.
ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી?
1) NPCI ના ઓફિશિયલ પોર્ટલ પર
ગ્રાહકો NPCI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને UPI કમ્પ્લેઈન વિભાગમાં ફરિયાદ નોંધાવી શકે છે. મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે પર્સન ટૂ મર્ચન્ટ (P2M) કેટેગરી પસંદ કરીને 'એક્સ્ટ્રા ચાર્જ' નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ માટે ટ્રાન્ઝેક્શન ID, મર્ચન્ટની વિગતો અને પેમેન્ટ સ્લિટ કે બિલનો સ્ક્રીનશોટ સાથે રાખવો જરૂરી છે.
2) UPI એપ્લિકેશન અને બેંક દ્વારા
ગૂગલ પે (Google Pay), ફોન પે (PhonePe) કે પેટીએમ (Paytm) જેવી એપ્સમાં પેમેન્ટ હિસ્ટ્રીમાં જઈને 'Help' અથવા 'Dispute' વિકલ્પ દ્વારા સીધી રિપોર્ટ કરી શકાય છે. આ ઉપરાંત, ગ્રાહક પોતાની બેંકના કસ્ટમર કેરમાં પણ આ અંગે વિવાદ નોંધાવી શકે છે.
3) નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH)
જો વેપારી બળજબરીથી બિલમાં જ વધારાનો ચાર્જ ઉમેરી દે, તો આ ગ્રાહક સુરક્ષા કાયદા (Consumer Protection) નો ભંગ ગણાય છે. ગ્રાહકો ટોલ-ફ્રી નંબર 1915 પર કોલ કરીને અથવા ઓનલાઈન પોર્ટલ પર પુરાવા (બિલ અને સ્ક્રીનશોટ) સાથે ફરિયાદ નોંધાવી શકે છે.
