Gig Workers Strike in India: નાતાલના તહેવાર બાદ હવે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે 31st ડિસેમ્બરના રોજ ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી સેવાઓ પર મોટી અસર પડે તેવી શક્યતા છે. ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ યુનિયનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 31મી ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.
આ હડતાળમાં સ્વિગી (Swiggy), ઝોમેટો (Zomato), ઝેપ્ટો (Zepto), બ્લિંકિટ (Blinkit), એમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) જેવી દિગ્ગજ કંપનીઓ સાથે સંકળાયેલા ડિલિવરી પાર્ટનર્સ, કેબ ડ્રાઇવરો અને હોમ સર્વિસ વર્કર્સ જોડાશે. ઈન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (IFAT) અને તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન દ્વારા આ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેની સીધી અસર ગ્રાહકોની રજાઓ અને પાર્ટીના પ્લાનિંગ પર પડી શકે છે.
ગિગ વર્કર્સની મુખ્ય માંગણીઓ શું છે?
કર્મચારી સંગઠનોએ વધુ સારા વેતન, કામના કલાકો અને સુરક્ષાને લઈને નીચે મુજબની માંગણીઓ મૂકી છે:
- આવકની ગેરંટી: લઘુત્તમ વેતન ધારા ધોરણ મુજબ ઓછામાં ઓછી આવકની ખાતરી આપવામાં આવે.
- નિશ્ચિત વળતર: કેબ ડ્રાઇવરો માટે બેઝ ફેર નક્કી કરવામાં આવે અને પ્રતિ કિલોમીટર ઓછામાં ઓછી 20 રૂપિયાની ચુકવણી કરવામાં આવે.
- કામના કલાકો: કામનો સમય દિવસના 8 કલાક નક્કી કરવામાં આવે અને તેનાથી વધુ કામ માટે ઓવરટાઇમ ચૂકવવામાં આવે.
- સામાજિક સુરક્ષા: અકસ્માત, બીમારી અને અન્ય કટોકટીના સમય માટે વીમા કવચ અને સુરક્ષા પૂરી પાડવામાં આવે.
- '10-મિનિટ ડિલિવરી'નો વિરોધ: અત્યંત ઝડપી ડિલિવરી મોડેલ (જેમ કે 10-મિનિટ ડિલિવરી) ડ્રાઇવરોને જોખમી રીતે વાહન ચલાવવા મજબૂર કરે છે, તેથી તેને નાબૂદ કરવામાં આવે.
ધુમ્મસ અને સુરક્ષાનો મુદ્દો
શિયાળાની ઋતુમાં ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે રાત્રે વાહન ચલાવવું જોખમી સાબિત થઈ રહ્યું છે. આથી, કામદારોએ માંગ કરી છે કે ધુમ્મસવાળી સ્થિતિમાં રાત્રે 11 વાગ્યા પછી ડિલિવરી સેવાઓ સ્થગિત કરવામાં આવે જેથી અકસ્માતો નિવારી શકાય.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 25 ડિસેમ્બરે (નાતાલ) પણ આવી જ હડતાળ પાડવામાં આવી હતી. જેની અસર ગુરુગ્રામ જેવા શહેરોમાં વધુ જોવા મળી હતી, જ્યાં ફૂડ ડિલિવરીમાં નોંધપાત્ર વિલંબ થયો હતો. હવે 31st ડિસેમ્બરના રોજ આ હડતાળ કેટલો વ્યાપક પ્રભાવ પાડે છે તે જોવું રહ્યું.

