BEE New Star Ratings 2026: નવા વર્ષ 2026 ની શરૂઆત સામાન્ય જનતા માટે મોંઘવારીના ફટકા સાથે થઈ છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા સ્ટાર રેટિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવી ગયા છે. આ નવા અને કડક નિયમોને કારણે હવે એર કંડિશનર (AC), રેફ્રિજરેટર અને અન્ય કુલિંગ ડિવાઈસના ભાવમાં સીધો વધારો જોવા મળશે.
ભાવમાં 5 થી 10 ટકાનો વધારો સંભવ
પીટીઆઈના અહેવાલ અનુસાર, ઉર્જા કાર્યક્ષમતાના નવા માપદંડો લાગુ થવાને કારણે ઇલેક્ટ્રોનિક કંપનીઓ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાનો બોજ ગ્રાહકો પર નાખશે. અંદાજ મુજબ, AC અને રેફ્રિજરેટરની કિંમતોમાં 5 થી 10 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં GST દરોમાં ઘટાડાને કારણે AC ના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો થયો હતો. પરંતુ હવે નવા નિયમો લાગુ થતાં કિંમતો ફરીથી જૂના સ્તરે પહોંચી જશે.
ભાવ વધારા પાછળના મુખ્ય કારણો
- ઉર્જા કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજી અપગ્રેડ કરવી જરૂરી બની છે.
- ડોલર સામે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન.
- તાંબા (Copper) અને અન્ય જરૂરી કાચા માલના ભાવમાં થયેલો વધારો.
શું છે BEE સ્ટાર રેટિંગ અને ગ્રાહકોને શું ફાયદો થશે?
ઇલેક્ટ્રોનિક ડિવાઈસ પર જોવા મળતા સ્ટાર રેટિંગ તે ડિવાઈસ કેટલી વીજળી વાપરે છે તે દર્શાવે છે. 1 સ્ટાર સૌથી વધુ વીજળી વાપરે છે, જ્યારે 5 સ્ટાર સૌથી ઓછી વીજળી વાપરે છે.
ભલે ડિવાઈસની કિંમત વધી રહી હોય, પરંતુ નવા નિયમોનો લાંબા ગાળે ગ્રાહકોને ફાયદો થશે. નવા નિયમો મુજબ, વીજળી બચતના માપદંડો કડક કરવામાં આવ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, વર્ષ 2025 માં જે AC ને '5-સ્ટાર' રેટિંગ મળતું હતું, તે જ કાર્યક્ષમતા ધરાવતું AC હવે 2026 માં '4-સ્ટાર' ગણાશે. આનો અર્થ એ છે કે નવા 5-સ્ટાર AC વધુ પાવર સેવિંગ કરશે, જેનાથી ગ્રાહકોના વીજળી બિલમાં ઘટાડો થશે.
