Amul Ghee Price Hike: દિવાળી અને તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે જ રાજ્યના ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર મોંઘવારીનો વધારાનો બોજ પડ્યો છે. દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ ‘અમૂલ’ (GCMMF) દ્વારા ઘી અને બટર (માખણ)ના ભાવમાં તુરંત અસરથી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અલગ-અલગ પેકિંગ પર ₹3થી લઈને ₹50 સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે.
બીજી તરફ, માત્ર ભાવવધારો જ નહીં પણ ગણેશોત્સવ બાદથી અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં અમૂલ કાઉ ઘી અને રેગ્યુલર બટરની અછત પણ સર્જાઈ રહી છે.
કેટલો ભાવ વધ્યો? (જૂના અને નવા રેટ્સ)
અમૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ સૌથી વધુ વધારો 1 કિલો ઘીના પેકિંગમાં જોવા મળ્યો છે-
| અમૂલ પ્રોડક્ટ | જૂનો ભાવ | નવો ભાવ | વધારો |
| ઘી (1 કિલો કાર્ટન) | ₹630 | ₹680 | ₹50 |
| પ્યોર ઘી (500 ગ્રામ પાઉચ) | ₹325 | ₹345 | ₹20 |
| બટર (100 ગ્રામ પેક) | ₹63 | ₹66 | ₹3 |
| બટર (500 ગ્રામ પેક) | ₹310 | ₹325 | ₹15 |
GSTના ઘટાડાનો લાભ ધોવાયો
સપ્ટેમ્બર 2025માં સરકાર દ્વારા ડેરી ઉત્પાદનો પરના GST દરો 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યા હતા. તે સમયે અમૂલે પોતાની 700થી વધુ બનાવટોના ભાવ ઘટાડીને ગ્રાહકોને રાહત આપી હતી. તે વખતે 1 લીટર ઘી ₹650થી ઘટીને ₹610 અને 100 ગ્રામ બટર ₹62થી ઘટીને ₹58 થઈ ગયું હતું. જોકે, તહેવારો પહેલા જ થયેલા આ નવા ભાવવધારાને કારણે ગ્રાહકોને મળતો GST ઘટાડામાં મળેલી રાહતનો લાભ હવે લગભગ નાબૂદ થઈ ગયો છે.
અચાનક ભાવ વધવા અને અછત સર્જાવા પાછળના 3 મુખ્ય કારણો
નકલી ઘી સામે લાલઆંખ અને બ્રાન્ડેડ તરફ ઝોક
સહકારી ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 6 મહિનામાં ગુજરાત અને રાજસ્થાનમાંથી આશરે 2 લાખ કિલો જેટલું બનાવટી/નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ભેળસેળિયા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી થતાં લોકોનો નકલી કે ખુલ્લા ઘી પરથી વિશ્વાસ ઊઠી ગયો છે અને લોકો મોટા પાયે અમૂલ જેવી વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરફ વળ્યા છે.
તહેવારોની સિઝનમાં 45% વપરાશ
ડેરી ઉદ્યોગના આંકડા મુજબ, આખા વર્ષ દરમિયાન વેચાતા કુલ ઘીનો અંદાજે 45% હિસ્સો માત્ર તહેવારોની સિઝન (ગણેશોત્સવથી લઈને દિવાળી-બેસતું વર્ષ) દરમિયાન જ વપરાઈ જાય છે. આ વખતે અચાનક માંગ ડબલ થતાં સપ્લાય ચેઇન પર ભારે દબાણ ઊભું થયું છે.
સુપરમાર્કેટ્સ અને રિટલેર્સમાં સ્ટોક ખાલી
અમદાવાદના સેટેલાઇટ જેવા પોશ વિસ્તારના ડી-માર્ટ સહિતના મોલ્સ અને વડોદરાના સ્થાનિક કરિયાણાના વેપારીઓ પાસે અમૂલ ઘીનો સ્ટોક તળિયે પહોંચી ગયો છે. આ અછત માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ અગાઉ પુણે અને કોલકાતા જેવા મહાનગરોમાં પણ આવી સપ્લાય શોર્ટેજ જોવા મળી હતી.
