US Government Shutdown: અમેરિકામાં સરકારી કામગીરી સતત 35 દિવસથી ઠપ્પ છે અને આ અત્યાર સુધીનું સૌથી લાંબું ગવર્નમેન્ટ શટડાઉન છે. તેણે વર્ષ 2019ના રેકોર્ડને વટાવી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સરકાર બંધ જેવી સ્થિતિમાં છે. લાખો કર્મચારીઓ પગાર વગર છે અને અનેક વિભાગો સંપૂર્ણપણે બંધ છે.
14મી વખત સેનેટ મતદાન પણ અનિર્ણાયક સાબિત થયું છે. હવે ટ્રમ્પે બુધવારે સવારે રિપબ્લિકન નેતાઓની બેઠક બોલાવીને આ મડાગાંઠ ઉકેલવા માટે એક નવો પ્રયાસ શરૂ કર્યો છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી એજન્સીઓ કોંગ્રેસની મંજૂરી વિના ભંડોળ ખર્ચ કરી શકતી નથી.અમેરિકામાં સરકારી એજન્સીઓ કોંગ્રેસ પાસેથી ફંડિંગ ન મળતા તેમના ખર્ચ વગર ચાલી શકે તેમ નથી.
- આ વખતે કોંગ્રેસ ફંડિંગ બિલ પર સર્વસંમતિ હાંસલ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેના કારણે અનેક સરકારી વિભાગો માટે ખર્ચ અટકી ગયો છે અને શટડાઉનની ફરજ પડી છે. 35 દિવસ પછી પણ સરકાર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગઈ છે. તેને અમેરિકન ઇતિહાસમાં સૌથી લાંબો શટડાઉન માનવામાં આવે છે.
- તાજેતરના મતદાનમાં પ્રસ્તાવને 44 વિરુદ્ધ 54 મતોથી નકારી કાઢવામાં આવ્યો હતો.કોઈપણ ડેમોક્રેટિક સાંસદે સરકારને ફંડ પૂરું પાડવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું ન હતું.
- લાખો કર્મચારીઓને તેમના પગાર મળ્યા નથી - આ શટડાઉનની સામાન્ય અમેરિકનો પર ઊંડી અસર પડી છે. હજારો સરકારી કચેરીઓ બંધ છે અને લાખો કર્મચારીઓ પગાર વગર કામ કરી રહ્યા છે અથવા ઘરે બેઠા છે. પાસપોર્ટ,ટેક્સ રિફંડ,એરપોર્ટ સુરક્ષા અને નેશનલ જેવી ઘણી ફેડરલ સેવાઓ પ્રભાવિત થઈ છે. અહેવાલો પ્રમાણે અત્યાર સુધીમાં અબજો ડોલરનું નુકસાન થયું છે.
- આ શટડાઉનથી અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસ (CBO) પ્રમાણે અત્યાર સુધીમાં 11 બિલિયન ડોલર (આશરે રૂપિયા 1 લાખ કરોડ)નું નુકસાન થઈ ચૂક્યું છે. જો શટડાઉન ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય તો ચોથા ત્રિમાસિક ગાળામાં દેશનો GDP 1% થી 2% ઘટી શકે છે.
- વોશિંગ્ટન સ્થિત બાઈપોર્ટિસન પોલિસી સેન્ટર પ્રમાણે અત્યાર સુધીમાં 6.7 લાખ સરકારી કર્ચમારી રજા પર મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે 7.3 લાખ કર્મચારી પગાર વગર કામ કરી રહ્યા છે, આ રીતે આશરે 14 લાખ લોકો દેવું કરીને ઘર ચલાવી રહ્યા છે.
- CBO પ્રમાણે રજા પર ઉતારેલા કર્મચારીઓને દરરોજ આશરે 400 મિલિયન ડોલર (રૂપિયા 3,300 કરોડ) પગારનું નુકસાન થઈ રહ્યું છે.
- CBOના ડિરેક્ટર ફિલિપ સ્વેગેલે જણાવ્યું હતું કે શટડાઉન સરકારી ખર્ચમાં વિલંબ કરી રહ્યું છે અને અર્થતંત્ર પર નકારાત્મક અસર કરી રહ્યું છે, પરંતુ આ અસર કંઈક અંશે ઓછી થશે, પરંતુ સંપૂર્ણપણે નહીં.
અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ થઈ જવાને લીધે હવાઈ સેવા પર માઠી અસર જોવા મળી છે. દેશભરના અનેક એરપોર્ટ પર ઉડ્ડાનોમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો રદ્દ થઈ રહેલ છે.
- પરિવહન વિભાગે ચેતવણી આપી છે કે 11 હજાર એર ટ્રાફિક કંટ્રોલર્સને તેમના પગાર મળ્યા નથી અને જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો હવાઈ ટ્રાફિકને ભારે અસર થશે.
- અમેરિકામાં આ શટડાઉન ફક્ત રાજકીય ખેંચતાણનું જ નહીં પણ આર્થિક સ્થિરતાનું પણ પ્રતીક બની ગયું છે. જો બુધવારની બેઠકમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઇતિહાસનો આ સૌથી લાંબી સરકારી સ્થગિતતા વધુ લંબાઈ શકે છે.વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હાલમાં રાજકીય હઠીલાપણું વચ્ચે સંઘર્ષ કરી રહી છે.
