Vishwakarma Puja 2026 Date: હિંદુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર, પ્રથમ એન્જિનિયર અને વાસ્તુકાર માનવામાં આવે છે. સૃષ્ટિના નિર્માણકાર્યમાં બ્રહ્માજીને સહાય કરવા માટે ભગવાન વિશ્વકર્માએ વિશેષ ભૂમિકા ભજવી હતી. દર વર્ષે જ્યારે સૂર્યદેવ કન્યા રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કન્યા સંક્રાંતિના પવિત્ર અવસરે વિશ્વકર્મા પૂજા (જેને વિશ્વકર્મા જયંતી પણ કહેવાય છે) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને કારીગરો, એન્જિનિયરો, શિલ્પકારો, ટેક્નિકલ ક્ષેત્રના લોકો અને વેપારીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
વિશ્વકર્મા પૂજા 2026 ક્યારે છે?
હિન્દુ પંચાંગ અને જ્યોતિષીય ગણતરી અનુસાર, આ પર્વ સૂર્યના ગોચર પર આધારિત હોય છે. વર્ષ 2026 માં સૂર્યદેવ 17 સપ્ટેમ્બર ના રોજ સવારે 07:58 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ ઘટનાને 'કન્યા સંક્રાંતિ' કહેવામાં આવે છે. આથી, આ વર્ષે વિશ્વકર્મા પૂજા 17 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે.
પૂજા માટેના શુભ મુહૂર્ત અને રાહુકાળનો સમય
વિશ્વકર્મા પૂજાના દિવસે મશીનો અને સાધનોની પૂજા શુભ સમયમાં કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુકાળમાં કોઈપણ શુભ કાર્ય વર્જિત છે, તેથી પૂજાનો સમય ખાસ ધ્યાનમાં રાખવો:
- કન્યા સંક્રાંતિ સમય: સવારે 07:58 વાગ્યે
- પૂજાનો શ્રેષ્ઠ સમય: સવારે 07:58 થી બપોરે 12:40 વાગ્યા સુધી
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:52 થી 05:39 વાગ્યા સુધી
- અભિજિત મુહૂર્ત (વિશેષ શુભ): બપોરે 12:09 થી 12:58 વાગ્યા સુધી
- રાહુકાળ (આ સમયમાં પૂજા ટાળવી): બપોરે 02:05 થી 03:37 વાગ્યા સુધી
વિશ્વકર્મા પૂજાની સરળ વિધિ
પોતાના કાર્યસ્થળ, કારખાના કે દુકાને નીચે મુજબની સરળ વિધિથી ભગવાન વિશ્વકર્માની પૂજા કરી શકાય છે:
- પૂજા સ્થળ અને મશીનોની સારી રીતે સાફ-સફાઈ કરો.
- એક પાટલા પર સ્વચ્છ કાપડ પાથરીને ભગવાન વિશ્વકર્માની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો.
- કળશની સ્થાપના કરી, શ્રદ્ધાપૂર્વક પૂજાનો સંકલ્પ લો.
- ભગવાનને જળ, અક્ષત, કંકુ (રોલી), ચંદન, ફૂલ અને માળા અર્પણ કરો.
- ધૂપ અને ઘીનો દીવો પ્રગટાવી ફળ, મીઠાઈ અને અન્ય નૈવેદ્યનો ભોગ ધરાવો.
- ભગવાનની સાથે તમારા રોજિંદા કામમાં વપરાતા ઓજારો, મશીનો, વાહનો અને સાધનોની પણ તિલક કરી પૂજા કરો.
- વિશ્વકર્મા કથાનું વાંચન કે શ્રવણ કરો અને મંત્રોનો જાપ કરો.
- અંતમાં આરતી ઉતારીને પરિવાર અને કર્મચારીઓ સાથે પ્રસાદ વહેંચો.
વિશ્વકર્મા પૂજાનું ધાર્મિક મહત્વ
ઋગ્વેદમાં ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના સર્જનાત્મક સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, તેમણે ભગવાન શ્રીકૃષ્ણ માટે દ્વારકા નગરી, પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ, દેવતાઓ માટે સ્વર્ગલોક, સુદામાજી માટે સુદામાપુરી અને રાવણ માટે સુવર્ણ લંકાનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત, ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ અને કાર્તિકેયનું ભાલું જેવા દિવ્ય શસ્ત્રો પણ તેમણે જ બનાવ્યા હતા.
માન્યતા છે કે વિશ્વકર્મા જયંતીના દિવસે વિધિ-વિધાનપૂર્વક મશીનો અને સાધનોની પૂજા કરવાથી કામમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે. આમ કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને કાર્યક્ષેત્રમાં અખૂટ સફળતા તથા સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
