Bavka Shiva Temple: એક જ રાતમાં બન્યું હતું બાવકા શિવમંદિર? જાણો 'ગુજરાતના ખજુરાહો' તરીકે પ્રખ્યાત દાહોદના પ્રાચીન મંદિરનો ઈતિહાસ

દાહોદના બાવકા ખાતે આવેલું પ્રાચીન શિવ મંદિર 'ગુજરાતના ખજુરાહો' તરીકે પ્રખ્યાત છે. સોલંકી શૈલીની સ્થાપત્યકલા, અનોખી લોકવાયકાઓ અને દર્શન માટે કેવી રીતે પહોંચવું તેની સંપૂર્ણ માહિતી વાંચો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 18 Aug 2026 06:00 AM (IST)Updated: Tue, 18 Aug 2026 06:00 AM (IST)
bavka-shiva-temple-dahod-history-aarti-and-darshan-timings-and-how-to-reach

Bavka Shiva Temple History: ગુજરાતમાં ભગવાન શિવને સમર્પિત ઘણા પ્રાચીન અને પૌરાણિક શિવમંદિરો આવેલા છે, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે આ પાવન માસમાં ભક્તો ભગવાન શિવજીની પૂજા કરવા માટે શિવમંદિરોમાં ઉમટી પડતાં હોય છે. દાહોદ જિલ્લામાં આવેલ બાવકા ખાતે આવેલું પ્રાચીન શિવમંદિર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દાહોદ શહેરથી આશરે 14 કિલોમીટર દૂર બાવકા અને ચાંદાવાડા ગામ વચ્ચે હિરલાવ તળાવ નજીકની ટેકરી પર આવેલું આ મંદિર પ્રાચીન સ્થાપત્ય અને અદભૂત શિલ્પકલાનું અનોખું ઉદાહરણ છે. આજે ગુજરાતી જાગરણ તેની મંદિરોની સિરીઝમાં વાચકોને બાવકાના પ્રાચીન શિવ મંદિર વિશે માહિતી આપશે.

બાવકા શિવમંદિરનું શું છે ધાર્મિક મહત્વ? (Religious Significance of Bawka Shiva Temple)

દાહોદથી 14 કિમી દૂર આવેલા બાવકા ગામમાં આવેલું આ મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. હરિયાળી વચ્ચે ઘેરાયેલા આ પૌરાણિક શિવમંદિરના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. એવી એક આસ્થા છે કે, અહીં ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. રજા કે વેકેશનમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી અહીં ભકતોની ભીડ વધારે જોવા મળે છે. આ સિવાય શિરાત્રિ અને આમલી અગિયારસનો મેળો પણ અહીં ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે.

બાવકા શિવ મંદિરનો ધાર્મિક ઈતિહાસ (Bavka Shiv Temple History)

બાવકા સ્થિત શિવમંદિરને સામાન્ય રીતે સોલંકીકાળ સાથે સંકળાયેલું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. મંદિરના સ્થાપત્યમાં નાગર તથા મારુ-ગુર્જર શૈલીની વિશિષ્ટતાઓ જોવા મળે છે. પથ્થરો પર કરવામાં આવેલી ઝીણવટભરી કોતરણી તે સમયના શિલ્પકારોની અસાધારણ કલા અને સ્થાપત્યજ્ઞાનની સાક્ષી પૂરે છે. મંદિરનો સમયગાળો આશરે 12 મી થી 13 મી સદીનો માનવામાં આવે છે અને તેને સોલંકી શાસક ભીમદેવ દ્વિતીયના સમય સાથે પણ જોડવામાં આવે છે. મંદિર પરિસરમાં મળેલા શિલાલેખો તેના ઐતિહાસિક મહત્વને વધુ મજબૂત બનાવે છે.

બાવકા મંદિર સાથે અનેક લોકવાયકાઓ પણ જોડાયેલી છે. સ્થાનિક માન્યતા મુજબ, મંદિરનું નિર્માણ એક દેવદાસીએ એક જ રાતમાં કર્યું હતું. મંદિરના વિનાશને લઈને પણ આ પ્રકારની વિવિધ લોકવાયકાઓ પ્રચલિત છે. જોકે આવી બાબતોને લોકપરંપરા તરીકે જોવી જોઈએ, જ્યારે મંદિરના સમયગાળા અને સ્થાપત્ય અંગે પુરાતત્ત્વીય પુરાવાઓને ઐતિહાસિક આધાર તરીકે મહત્વ આપવું જરૂરી છે.

બીજી પ્રચલિત લોકવાયકા પ્રમાણે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાવકામાં રાત્રિ રોકાણ વખતે તેમની સેનાએ આ શિવ મંદિરનું નિર્માણ કર્યું હતું. પરોઢિયું થતાંની સાથે જ સિદ્ધરાજ જયસિંહનો કાફલો મંદિરનું કામ અધુરુ છોડીને આગળ નીકળી ગયો હતો.

પથ્થરોમાં જીવંત થયેલી શિલ્પકલા

બાવકા મંદિરની સૌથી મોટી વિશેષતા તેની અદભૂત શિલ્પકલા છે. મંદિરના બાહ્ય ભાગો, સ્તંભો અને પ્રવેશદ્વાર પર વિવિધ દેવી-દેવતાઓ, અપ્સરાઓ, પ્રાણી-પક્ષીઓ તથા તે સમયના સામાજિક અને ધાર્મિક જીવનની ઝાંખી કરાવતા અનેક શિલ્પો કંડારવામાં આવ્યા છે. આ મંદિરના શ્રુંગારિક શિલ્પો જાણે એની વિશિષ્ટ ઓળખ બની ગયા છે. અને આ જ કારણે બાવકા શિવમંદિર ને લોકપ્રિય રીતે ‘ગુજરાતનું ખજુરાહો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે આ ઉપમા તેની શિલ્પસંપદાની વિશિષ્ટતા દર્શાવવા માટેની લોકપ્રિય ઓળખ છે.

સ્થાપત્યની દૃષ્ટિએ બાવકા મંદિરનું એક મહત્વનું પાસું તેનું પંચાયતન પ્રકારનું આયોજન છે. મુખ્ય શિવમંદિરની આસપાસ નાના મંદિરોનું આયોજન પ્રાચીન ભારતીય મંદિર સ્થાપત્યની પરંપરાને પ્રતિબિંબિત કરે છે. આજે મંદિરનો કેટલોક ભાગ ખંડિત અવસ્થામાં હોવા છતાં તેની બાકી રહેલી રચના અને શિલ્પો પ્રાચીન સ્થાપત્યની ભવ્યતાની અનુભૂતિ કરાવે છે.

સંરક્ષણથી જળવાઈ રહી છે ધરોહર

સમયની અસર, કુદરતી પરિબળો અને અન્ય કારણોસર મંદિરને નુકસાન થયું હતું. મંદિરના ઐતિહાસિક અને સ્થાપત્યકલા સંબંધિત મહત્વને ધ્યાનમાં રાખીને પુરાતત્ત્વીય સંસ્થાઓ દ્વારા તેના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે કામગીરી કરવામાં આવી છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા તેને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે સંરક્ષિત કરવામાં આવ્યું છે.

બાવકા શિવ મંદિર કેવી રીતે પહોંચવું? (How to reach Bawka Shiva Temple)

રોડ દ્વારા (By Road)

દાહોદ કે ગરબાડા તરફથી રોડ રસ્તે ખાનગીર વાહન કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. બાવકા શિવમંદિર સુધી પહોંચવા માટે એસ.ટી બસ કે ટેક્સીની સુવિધા ઉપલબ્ધ છે,

ટ્રેન દ્વારા ( By Train)

બાવકા ખાતે આવેલા શિવ મંદિર સુધી પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન દાહોદનું છે, જે મંદિરથી 14 કિમી દૂર છે, રેલ્વે સ્ટેશનતી ટેક્સી કે ઓટો દ્વારા બાવકા ગામ જઈ શકાય છે.

વિમાન દ્વારા (By Flight)

બાવકા ગામની સૌથી નજીકનું મુખ્ય એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે, જે ગામથી આશરે 160 કિલોમીટરના અંતરે આવેલું છે. વડોદરા એરપોર્ટ પરથી ભાવિકો ટેક્સી કે એસ.ટી બસો દ્વારા જઈ શકે છે.

બાવકા શિવ મંદિરની આસપાસ ફરવાલાયક સ્થળો (Places to visit Near Bawka Shiva Temple)

  • હિરલાવ તળાવ: બાવકા શિવ મંદિરની બિલકુલ પાસે આવેલું આ શાંત અને સુંદર તળાવ છે.
  • દાહોદ કિલ્લો: દાહોદમાં આવેલો મુગલ સમ્રાટ ઓરંગઝેબના જન્મસ્થળ તરીકે જાણીતો ઐતિહાસિક કિલ્લો આવેલ છે.
  • રતનમહાલ રીંછ અભ્યારણ્ય: દાહોદના ધાનપુર તાલુકામાં આવેલું સુંદર અભ્યારણ્ય, સુંદર જંગલો, ઝરણાઓ અને રીંછ માટે જાણીતું છે.
  • છબીત તળાવ અને નગર પ્રાસાદ: દાહોદ શહેરમાં આવેલા આસપાસના રસ્તાઓ અને સ્થાપત્યોનો ઇતિહાસ દર્શાવતું સ્થળ જોવા લાયક છે.