Randhan Chhath 2026 Gujarat: ગુજરાતમાં રાંધણ છઠ ક્યારે છે? નોંધી લો તિથિ અને રસોઈનો શુભ સમય

Randhan Chhath 2026 Gujarat: ગુજરાતમાં વર્ષ 2026 માં રાંધણ છઠ 2 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. જાણો રાંધણ છઠની તિથિ, રસોઈ માટેના શુભ મુહૂર્ત, પૂજાવિધિ, વાનગીઓ અને આ દિવસનું ધાર્મિક મહત્વ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 01 Sep 2026 03:50 PM (IST)Updated: Tue, 01 Sep 2026 03:50 PM (IST)
randhan-chhath-2026-gujarat-date-tithi-pooja-vidhi-mantras-significance-and-rituals

Randhan Chhath 2026 Gujarat: ગુજરાતમાં શ્રાવણ માસ ધાર્મિક તહેવારો અને વ્રતો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ પવિત્ર મહિનામાં શીતળા સાતમના એક દિવસ પહેલાં 'રાંધણ છઠ' ઉજવવાની વિશિષ્ટ પરંપરા છે. વર્ષ 2026 માં આ તહેવાર 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ સ્વતંત્ર તહેવાર નથી, પરંતુ દેવી શીતળાને સમર્પિત ધાર્મિક પર્વ શીતળા સાતમની તૈયારીઓનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે. ચાલો જાણીએ રાંધણ છઠની તિથિ, શુભ મુહૂર્ત અને તેનું ધાર્મિક મહત્વ.

રાંધણ છઠ ક્યારે છે?

શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવાની અને ચૂલો સળગાવવાની સખત મનાઈ હોય છે. આથી મોટાભાગના ગુજરાતી પરિવારો છઠના દિવસે જ બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી લે છે. રસોઈ સાથે જોડાયેલી આ પરંપરાને કારણે જ આ દિવસનું નામ 'રાંધણ છઠ' પડ્યું છે.

  • રાંધણ છઠ: બુધવાર, 2 સપ્ટેમ્બર 2026
  • શીતળા સાતમ: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026
  • ષષ્ઠી તિથિ પ્રારંભ: 2 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 06:12 વાગ્યે
  • ષષ્ઠી તિથિ સમાપ્ત: 3 સપ્ટેમ્બર 2026 ના રોજ વહેલી સવારે 04:25 વાગ્યે

પૂજા અને રસોઈ માટેના શુભ મુહૂર્ત કયા છે?

  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:51 થી 05:36 સુધી
  • પ્રાતઃ સંધ્યા: સવારે 05:14 થી 06:22 સુધી
  • વિજય મુહૂર્ત: બપોરે 02:45 થી 03:35 સુધી
  • ગોધૂલિ મુહૂર્ત: સાંજે 06:56 થી 07:19 સુધી
  • સાંય સંધ્યા: સાંજે 06:56 થી 08:05 સુધી
  • અમૃત કાળ (રસોઈ માટેનો શ્રેષ્ઠ સમય): રાત્રે 09:06 થી 10:38 સુધી
  • નિશિતા મુહૂર્ત: મધ્યરાત્રિ 12:16 થી 01:02 સુધી (3 સપ્ટેમ્બરની શરૂઆતમાં)

વિશેષ શુભ યોગ: આ ઉપરાંત, 3 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 01:43 થી 06:22 સુધી 'સર્વાર્થ સિદ્ધિ યોગ' અને 'રવિ યોગ' નો મહાસંયોગ પણ બની રહ્યો છે, જે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

રાંધણ છઠનું ધાર્મિક મહત્વ શું છે?

રાંધણ છઠના દિવસે તૈયાર કરાયેલું ભોજન બીજા દિવસે એટલે કે શીતળા સાતમે ઠંડુ (ટાઢું) આરોગવામાં આવે છે. લોકવાયકા મુજબ, શીતળા સાતમના દિવસે શીતળા માતા ઘરે-ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. આથી, રાંધણ છઠની રાત્રે તમામ રસોઈ પૂર્ણ થયા બાદ ઘરના ચૂલા કે ગેસ સ્ટવની સાફ-સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ ચૂલાની પૂજા કરી તેને ઠારવામાં આવે છે. ચૂલો ઠંડો કર્યા પછી સાતમના દિવસે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સાતમ પછીના દિવસે એટલે કે આઠમે જન્માષ્ટમીનો તહેવાર મનાવાય છે.

રાંધણ છઠના દિવસે કઈ કઈ વાનગીઓ બને છે?

રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત થઈ જાય છે અને નવી-નવી વાનગીઓ તૈયાર કરે છે. આ દિવસે ખાસ કરીને થેપલા, બાજરાના વડા, મીઠી અને તીખી પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, પાત્રા, ભરેલા ભીંડા, કંકોડાનું શાક, તળેલા મરચાં, તીખી સેવ, ખીર અને વિવિધ મિષ્ઠાન જેવી વાનગીઓ બનાવવામાં આવે છે, જે પરિવારના સભ્યો બીજા દિવસે શીતળા માતાની પૂજા કર્યા બાદ આરોગે છે.