Dashama Sthapana Muhurat 2026: ગુજરાતમાં શ્રાવણ માસના આગમન સાથે જ શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાઈ જાય છે. જેમાં ખાસ કરીને દશામાનું વ્રત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે અને દશા (સ્થિતિ) સુધરે તેવા હેતુથી મહિલાઓ આ 10 દિવસીય વ્રતનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે. આ લેખમાં વર્ષ 2026 ના દશામા વ્રતની તારીખો, સ્થાપનાના શુભ મુહૂર્ત, જરૂરી પૂજા સામગ્રી, વિધિ-નિયમો અને વિસર્જન અંગેની વિગતવાર માહિતી આ લેખમાં મેળવો.
દશામાના વ્રત ક્યારે છે 2026 | Dashama Vrat 2026 Date Gujarati
આ વર્ષે દશામાના 10 દિવસીય વ્રતનો પ્રારંભ 12 ઓગસ્ટ 2026, બુધવાર (દિવાસાનો પવિત્ર દિવસ) થી થશે. વ્રતની સ્થાપના કર્યા બાદ 21 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ જાગરણ સાથે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારબાદ 22 ઓગસ્ટ 2026, શનિવારના રોજ વહેલી સવારે સૂર્યોદય પહેલાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
દશામા સ્થાપના શુભ મુહૂર્ત સમય 2026 | Dashama Sthapna Muhurat Time 2026
12 ઓગસ્ટ 2026 ના રોજ માતાજીની સ્થાપના માટેના શાસ્ત્રોક્ત અને શ્રેષ્ઠ મુહૂર્ત સમયગાળા નીચે મુજબ છે.
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:47 વાગ્યાથી 05:31 વાગ્યા સુધી
- પ્રાતઃ સંધ્યા: સવારે 05:09 વાગ્યાથી 06:15 વાગ્યા સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 02:54 વાગ્યાથી 03:46 વાગ્યા સુધી
- ગોધૂલી મુહૂર્ત: સાંજે 07:14 વાગ્યાથી 07:36 વાગ્યા સુધી
- સાયાહ્ન સંધ્યા: સાંજે 07:14 વાગ્યાથી 08:20 વાગ્યા સુધી
(નોંધ: ચોઘડિયા અનુસાર સ્થાપના કરવા માંગતા ભક્તો માટે દિવસના શુભ, લાભ, અને અમૃત ચોઘડિયા ઉત્તમ ગણાશે.)
દશામા વ્રતની પૂજા સામગ્રીની યાદી | Dashama Vrat Samagri List
- દશામાની માટીની મૂર્તિ અથવા છબી (સાંઢણી પર બિરાજમાન)
- બાજોઠ અને લાલ અથવા પીળું કાપડ
- 10 તારનો સૂતરનો દોરો (ઘાટો નાડાછડીનો દોરો)
- કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર અને ચોખા (અક્ષત)
- ધૂપ, દીવો, વાટ અને શુદ્ધ ઘી અથવા તેલ
- સુગંધીદાર પુષ્પો અને આસોપાલવના પાનનું તોરણ
- શ્રીફળ (નાળિયેર), સોપારી અને પાન
- નૈવેદ્ય માટે લાપસી, શીરો અથવા મોદક, ફળ અને મિષ્ટાન
દશામા વ્રતની પૂજા વિધિ | Dashama Vrat Puja Vidhi
- દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સૌપ્રથમ પૂજા કરવી. પૂજા કર્યા વિના ચા-પાણી લેવાં નહીં. 10 દિવસ સુધી સવાર-સાંજ નક્કી કરેલા એક ચોક્કસ સમયે જ પૂજન કરવું.
- વ્રત કરનાર પોતાની ક્ષમતા મુજબ નકોરડા ઉપવાસ, એકટાણું (એક સમય અનાજ) કે ફરાળ કરી શકે છે.
- 10 દિવસ સુધી જમીન પર સૂવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ક્રોધ કે અસત્ય વચનથી બચવું. ઘરે આવેલા ભિક્ષુકને યથાશક્તિ દાન આપવું.
- કાંડા કે ગળામાં બાંધેલો 10 તારનો દશામાનો પવિત્ર દોરો 10 દિવસ સુધી નીકળે કે તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.
- જો વ્રત દરમિયાન માસિક ધર્મ આવે તો વ્રત ચાલુ રાખવું, પરંતુ પૂજા કે વિસર્જન જાતે કરવાને બદલે ઘરના અન્ય સભ્યો પાસે કરાવવું.
- 21 ઓગસ્ટના રોજ રાત્રે આખી રાતનું જાગરણ કરવું ફરજિયાત છે. 22 ઓગસ્ટની સવારે સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવે છે.
- આ વ્રત સામાન્ય રીતે 5 કે 10 વર્ષ સુધી કરવાનો મહિમા છે. 10મા વર્ષે વ્રતનું ઉજવણું કરી સ્ત્રીઓને તથા બ્રાહ્મણોને ભોજન કરાવવાની પરંપરા છે.
દશા માતા વ્રત કથા (Dasha Mata Vrat Katha)
શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ દાસીને કહ્યું, "જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો?"
દાસી નદી કાંઠે આવી અને પૂછવા લાગી ત્યારે એક બહેન બોલી, "અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતમાં દસ સૂતરના તાંતણા લેવા, તેને દશ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દશ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન કરવું."
દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી. રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે, "હું દશામાનું વ્રત કરું?" રાજાએ પૂછ્યું કે વ્રત કરવાથી શું લાભ થાય છે, ત્યારે રાણીએ કહ્યું કે, "નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ, શાંતિ અને સંતોષ મળે. આ વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે." ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલ્યા કે, "મારે ધન, દોલત, રાજપાટ, હાથી-ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કશી જ કમી નથી, તેથી વ્રત કરવું નથી." આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ.
રાજા ઉપર દશામા કોપાયમાન થયાં. રાત્રે દશામા આવી તેમના આખા રાજમહેલમાં ફરી વળ્યાં, જેથી સવારમાં રાજ્યમાં અંધાધુંધ થવા માંડી. તિજોરીમાં એકેય પૈસો ન મળે અને કોઠારમાં અન્નનો કણ ન મળે. આ બધી વાત આખા નગરમાં ફેલાતાં પ્રજાજનો કહેવા લાગ્યા, "હે રાજા! તમે નગર છોડી ચાલ્યા જાવ. તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે, તેથી તમારા માથે ખરાબ દશા બેઠી છે."
આ સાંભળી રાજા-રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો. રસ્તામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતાં રાણી બંને કુંવરને લઈ બહેનપણીને ઘરે જઈને કહે છે કે, "જરા બંને બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે." ત્યારે તેની બહેનપણીએ રાણીને કહ્યું કે, "હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે?" આથી રાણીને ઘણું જ દુઃખ થયું.
આગળ જતાં રસ્તામાં બંને કુંવરને તરસ લાગી. એટલામાં વાવ આવતાં રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે, ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણાં બંને બાળકો વાવમાં પડી ગયાં. રાજાએ ધીરજ આપતા કહ્યું કે કલ્પાંત ન કરશો, જેના હતા તેણે લઈ લીધા છે.
ત્યાંથી આગળ જતાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ-ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહિતર મારા ભાઈ હાથી, ઘોડા, પાલખી સાથે આવે. તેથી તેણે પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકળું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાપ બની ગયું. રાજા સમજી ગયા કે આ મારી દશાનું પરિણામ છે, તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી દીધી.
આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાંથી રાણીએ માંગેલું એક તરબૂચ ખેડૂતે દયા ખાઈને આપ્યું, પણ રાજા-રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયાં. તે સમયે બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો, તેથી તેના સૈનિકો કુંવરને શોધતાં ત્યાં આવ્યાં. રાજા-રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા, તે તેમની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકોએ રાજા-રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો અને તેમને દોરડાંથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ જઈ જેલમાં પૂરી દીધાં.
આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. બીજા વર્ષે શ્રાવણ માસ આવતાં રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના દયાળુ ઉપરીની મદદથી વ્રતનું ઉજવણું કર્યું. દશ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી અને માતાજીની સાંઢણી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો, તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો.
દશામાએ રાજાને સ્વપ્નમાં આવી કહ્યું, "હે રાજા! જેમને તે જેલમાં પૂર્યા છે, તે તારા કરતાં મોટા રાજ્યના રાજા છે. તેમણે તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે. માટે તું જેલમાં પૂરાયેલા રાજા-રાણીને છોડી તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે." સવારે વહેલા ઊઠીને રાજાએ સ્વપ્નની વાત કરી, એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. રાજાએ પોતે જ જેલમાં જઈ રાજા-રાણીને છોડી તેમના પગમાં પડી ક્ષમા માંગી અને હાથી, ઘોડા, રથ સાથે તેમને સન્માનપૂર્વક રવાના કર્યા.
પોતાના રાજ્યમાં પરત ફરતા રસ્તામાં રાજાએ જમીનમાં દાટેલું માટલું કાઢી જોયું તો તેમાં સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું. આગળ જતાં જે વાવ પાસે તેઓ પાણી પીવા ગયાં હતાં ત્યાં આવતાં, દશામાએ ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને લાવી રાજાને સોંપ્યા. ડોશી રૂપી દશામાએ રાજાને કહ્યું, "હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારી રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિષે ગમે તેમ બોલ્યાં હતાં, તેથી તમારી દશા કઠિન બની ગઈ હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ દેવ-દેવીની અવગણના કરવી નહીં."
રાજાના આગમનની ખબર પડતાં સર્વ નગરજનો વાજતે-ગાજતે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયાં. રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં રૂપાની સાંઢણી જળમાં પધરાવી વ્રતનું વિધિસર ઉજવણું કર્યું અને માતાના પ્રતાપથી તેઓ સુખ, શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યાં.
દશામાની આરતી | Dashama Ni Aarti
ચાર ચાર ધામની માં દશામાંની આરતી | Char Char Dham Ni Maa Dashama Ni Aarti
હો ચાર ચાર ધામની માં દશામાની આરતી,
હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
દશામાની આરતી દ્વારિકામાં થાય છે,
એ માવલડીને મંદિરિયે આનંદ વર્તાય છે,
હે દર્શન પામીને ભક્તો ઘેલા ઘેલા થાય છે,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
દશામાની આરતી મીનાવાડા થાય છે,
ચોમેર અજવાળા અજવાળા પથરાય છે,
હે ભોળા સૌ ભક્તોના હૈયાં હરખાય છે,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
દશામાની આરતી કડી ગામે થાય છે,
ભક્તોને જોઈ માનું મુખડું મલકાય છે,
હે છલકે આનંદ સુખ, દુઃખ વિસરાય છે,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
દશામાની આરતી મોરાગઢે થાય છે,
ભેળા થઈ ભક્તો માના ગુણલા રે ગાય છે,
હે દુનિયા પર માવડીની શિવી મીઠી જાય છે,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)
દશામાની આરતી | Dashama Ni Aarti Lyrics
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હા શક્તિ સ્વરૂપે તારો વાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
તારા ચરણોનો હું તો દાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હા નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
હો નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
સૌના મનડાની પુરો આશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
ભક્તોને પુરો છે વિશ્વાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
એને ના કરતી તું નિરાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હો ખમ્મા ખમ્મા હો અંબેમાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો હેતે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
